મુંબઈઃ હિન્દી અને ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી ભાગ્યશ્રીનું કહેવું છે કે, ‘ભારતમાં મહિલાઓ માટે સ્વતંત્રતા હજી આવી નથી, આવવાની બાકી છે. આનું કારણ એ છે કે લોકોમાં વિચારસરણીની ક્ષિતિજ હજી વિસ્તરી નથી.’
ભાગ્યશ્રીએ આ ટિપ્પણી અહીં એમનાં નવી ફિલ્મ ‘સજની શિંદે કા વાઈરલ વીડિયો’ના પ્રમોશન કાર્યક્રમ વખતે કરી હતી. આ પ્રસંગે એમણે તેમની ફિલ્મ વિશે જાણકારી આપવાની સાથોસાથ કહ્યું કે ‘અમને ઘણી વાર એવું મહેસુસ થાય છે કે આપણે હજી પુરુષપ્રધાન સમાજમાં જ રહીએ છીએ. આ ફિલ્મનું મુખ્ય તત્વ આ જ છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે તમે ગમે તેટલાં મહત્ત્વાકાંક્ષી હોવ, તમે તમારી પુત્રીને ગમે તેટલું ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હોય અને એને પ્રગતિના માર્ગે આગળ વધારી હોય તે છતાં ક્યાંકને ક્યાંક આપણે મહિલાઓ પર અંકુશ મૂકવાનું ઈચ્છતાં જ હોઈએ છીએ. આપણી વિચારસરણીનો દાયરો હજી પહેલાની જેવો જ છે. આપણા દેશમાં મહિલાઓ માટે સ્વતંત્રતા હજી આવી નથી.’
આ ફિલ્મમાં એક એવી છોકરીની વાર્તા છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ એ લાપતા થઈ જાય છે. આ ફિલ્મ આવતી 27 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.