‘મિસ્ટર ઈન્ડિયા’ના ‘મોગેમ્બો’ રોલ માટે પહેલા મારી પસંદગી કરાઈ હતીઃ અનુપમ ખેર

મુંબઈ – બોલીવૂડ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરનું કહેવું છે કે 1987માં રિલીઝ થયેલી શેખર કપૂર દિગ્દર્શિત ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મમાં ‘મોગેમ્બો’ પાત્ર માટે પહેલી પસંદગી અમરીશ પુરી નહીં, પણ પોતે હતા.

ખેરે ગયા શનિવારે સ્વ. અમરીશ પુરીને એમની 87મી જન્મતિથિ નિમિત્તે યાદ કર્યા હતા. એમણે કહ્યું કે, ‘અમરીશ પુરી વિલક્ષણ પ્રતિભા ધરાવતા અભિનેતા હતા.’

‘અમરીશ પુરી મારા ખરેખર સારા મિત્ર હતા. જેઓ હયાત ન હોય એવા તમારા મિત્રો વિશે ચર્ચા કરવાનું બહુ જ દુખદ હોય છે,’ એમ ખેરે એક નિવેદનમાં કહ્યું છે.

‘મોગેમ્બો’ રોલ વિશે ખેરે જણાવ્યું કે, ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મમાં ખલનાયક ‘મોગેમ્બો’નો રોલ અમરીશ પુરી પહેલાં પોતાને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ એકાદ-બે મહિના બાદ નિર્માતાઓએ મને હટાવી દીધો હતો.’

ખેરે કહ્યું કે, ‘કોઈ અભિનેતાને જ્યારે કોઈ ફિલ્મમાંથી પડતો મૂકવામાં આવે ત્યારે એને સામાન્ય રીતે બહુ દુઃખ થાય, પરંતુ મેં જ્યારે ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મ જોઈ હતી અને અમરીશજીને ‘મોગેમ્બો’ તરીકે અભિનય કરતા જોયા ત્યારે મને થયું હતું કે નિર્માતાઓએ મારી જગ્યાએ એમને પસંદ કરીને સાચો જ નિર્ણય લીધો હતો.’

ખેરે એમની નવી ફિલ્મ ‘વન ડેઃ જસ્ટિસ ડિલીવર્ડ’ ફિલ્મના પ્રચાર કાર્યક્રમ વખતે પત્રકારો સાથેની વાતચીતમાં ઉપર મુજબ કહ્યું હતું.

અમરીશ પુરીનો જન્મ 1932માં થયો હતો. એમની યાદમાં ગૂગલ સર્ચ એન્જિને ખાસ ડૂડલ રજૂ કરીને મહાન અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ‘મિસ્ટર ઈન્ડિયા’ સુપરહિટ રહી હતી અને ‘મોગેમ્બો’નું પાત્ર ભજવ્યા બાદ અમરીશ પુરી એ નામથી વધારે પ્રચલિત થયા હતા. ‘મોગેમ્બો ખુશ હુઆ’નો એમનો ડાયલોગ બાળકોમાં પણ ઘણો પ્રિય થયો છે.

httpss://youtu.be/Kt748sNJDaU