‘સુપર ડાન્સર ચેપ્ટર-3’ની વિજેતા બની 6 વર્ષની રુપસા

મુંબઈ – સોની ટીવી ચેનલ પર લોકપ્રિય થયેલા ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર’ની ‘ત્રીજી સીઝન’ અથવા ‘સુપર ડાન્સર ચેપ્ટર-3’ની વિજેતા બની છે રુપસા બતબ્યાલ, જે કોલકાતાની. રુપસા માત્ર 6 જ વર્ષની છે.

રવિવારે અહીં યોજાઈ ગયેલા ગ્રેન્ડ ફિનાલે કાર્યક્રમમાં ‘સુપર ડાન્સર સીઝન-3’ વિજેતાનાં નામની ઘોષણા કરવામાં આવી હતી. મુંબઈના 9 વર્ષીય તેજસ વર્માને રનર-અપ ઘોષિત કરવામાં આવ્યો હતો.

‘સુપર ડાન્સર ચેપ્ટર-3’નાં જજીસ હતાં – અનુરાગ કશ્યપ, શિલ્પા શેટ્ટી અને ગીતા કપૂર.

મહિનાઓ સુધી દેશભરનાં ટીવી દર્શકોનું મનોરંજન કરનાર ‘સુપર ડાન્સર ચેપ્ટર-3’નો આખરે અંત આવ્યો છે.

તમામ સ્પર્ધક ડાન્સરોએ એમની નૃત્યકળા દ્વારા માત્ર દર્શકો જ નહીં, પણ જજીસને પણ પ્રભાવિત કરી દીધા હતા.

ટોચના પાંચ સ્પર્ધકો વચ્ચે મુખ્ય સ્પર્ધા જામી હતી. રુપસા, તેજસ, જયપુરનો 12 વર્ષીય ગૌરવ સરવન, લુધિયાણાનો 7 વર્ષીય સક્ષમ શર્મા અને ગુવાહાટીની 8 વર્ષીય જયશ્રી ગોગોઈ.

હર્ષનાદો અને તાળીઓનાં ગડગડાટ વચ્ચે રુપસાએ એનાં સુપર ગુરુ નિશાંત ભટ્ટ સાથે પ્રતિષ્ઠિત ટ્રોફી સ્વીકારી હતી. સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન તરફથી રુપસાને રૂ. 15 લાખ અને નિશાંત ભટ્ટને રૂ. પાંચ લાખનું રોકડ ઈનામ આપવામાં આવ્યું છે.

દરેક ફાઈનલિસ્ટને પ્રશસ્તિપત્ર તથા રૂ. એક-એક લાખનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.

તે ઉપરાંત ટોપ-5 ફાઈનલિસ્ટ્સને લોટસ હર્બલ્સ તરફથી એક-એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે.

ડાન્સના આ શોની અગાઉની બંને સીઝનની જેમ આ ત્રીજી સીઝન પણ ઘણી રોમાંચક રહી હતી. પહેલી સીઝનમાં દિત્ય ભાંડે અને બીજી સીઝનમાં બિશાલ શર્માએ વિજેતા ટ્રોફી મેળવી હતી.