મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની સામે હોટ શીટ પર બેસીને દરેક જણ ઇચ્છે છે કે તે વધુમાં વધુ સવાલોના જવાબ આપે અને વધુમાં વધુ રકમ જીતે, પણ શું તમે જાણો છો કે રૂ. એક કરોડ જીત્યા પછી શોમાં વિજેતા જાહેર થનારને એટલી પૂરેપૂરી રકમ નથી મળતી, એટલે કે રૂ. એક કરોડ જીતનાર વિજેતાને એક મોટો હિસ્સો ટેક્સ તરીકે ચૂકવવો પડે છે.
રૂ. 34.2 લાખની રકમનો ટેક્સ ચૂકવવો પડે
આવકવેરા કાયદાની 194-બી કલમ અનુસાર જો કોઈ સ્પર્ધક રૂ. એક કરોડની રકમ જીતે તો એ રકમ પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડે છે, એટલે કે રૂ. 30 લાખ ટેક્સ લાગે છે. એની સાથે 30 લાખના ટેક્સ પર 10 ટકા સરચાર્જ આપવાનો રહે છે. જે રૂ. ત્રણ લાખ છે. આ ઉપરાંત રૂ. 30 લાખ પર ચાર ટકા સેસ લાગે છે, જે રૂ. 1.2 લાખ થાય છે. આમ કુલ મળીને રૂ. એક કરોડની રકમ પર સ્પર્ધકે રૂ. 34.2 લાખ ટેક્સ પેટે ચૂકવવાના આવે છે. આટલી રકમ ટેક્સમાં આપ્યા પછી તેના હાથમાં આશરે રૂ. 65 લાખ આવે છે.
‘કૌન બનેગા કરોડપતિ’ શોની વર્તમાન સીઝનમાં ત્રણ કરોડપતિ થયા, ત્રણેય મહિલા છે
અમિતાભ બચ્ચનના બહુચર્ચિત શો કેબીસીની 12મી સીઝનમાં અત્યાર સુધીમાં ત્રણ મહિલા 15 સવાલોના જવાબ આપીને કરોડપતિ બની છે. આ વિજેતાઓ છે – આઇપીએસ અધિકારી મોહિતા શર્મા-ગર્ગ, નાઝિયા નઝીમ અને અનુપા દાસ.