ઓસ્કર-2021: મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ ભારતની સત્તાવાર એન્ટ્રી

નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ને 93મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર એવોર્ડ્સ)માં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ‘જલ્લીકટ્ટુ’ એક ટૂંકી વાર્તા પર આધારિત છે. એ ટૂંકી વાર્તાનું શિર્ષક માઓઈસ્ટ હતું. આ ફિલ્મ 2019માં રિલીઝ કરાઈ હતી અને દર્શકોને ખૂબ ગમી હતી. લિજો જોઝ પેલ્લીસેરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એન્ટની વર્ગીઝ, ચેમ્બન વિનોદ જોઝ, સાબુમોન અબ્દુસમદે અભિનય કર્યો છે.

‘જલ્લીકટ્ટુ’ને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે દેશની 27 ફિલ્મોમાંથી પસંદ કરવામાં આવી છે. અન્ય ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના અભિનીત ‘ગુલાબો સિતાબો’, અનુષ્કા શર્મા દ્વારા નિર્મિત ‘બુલબુલ’, પ્રિયંકા ચોપરા અભિનીત ‘ધ સ્કાય ઈઝ પિન્ક’, નવાઝુદ્દીન સિદ્દિકીની ‘સીરિયસ મેન’, જ્હાન્વી કપૂર અભિનીત ‘ગૂંજન સક્સેના’નો સમાવેશ થાય છે. ‘જલ્લીકટ્ટુ’ ફિલ્મમાં બે શખ્સને કસાઈવાડો ચલાવતા બતાવવામાં આવ્યા છે. એ બંને જણ ભેંસોને મારી નાખીને વેચતા હતા. એક દિવસ એ ભેંસ એક કસાઈવાડામાંથી ભાગી જાય છે. તે આખા ગામમાં હાહાકાર મચાવી દે છે. એને કાબૂમાં કરવા માટે લોકો ભારે જહેમત ઉઠાવે છે તો ભેંસ પોતાને બચાવવા માટે ભાગતી જાય છે.

‘જલ્લીકટ્ટુ’ની પસંદગી જ્યૂરી બોર્ડ – ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી છે. જ્યૂરી બોર્ડના ચેરમેન રાહુલ રવૈલ છે. કોરોના વાઈરસના ફેલાવાને કારણે આવતા વર્ષના ઓસ્કર એવોર્ડ સમારંભને મુલતવી રખાયો છે. તે દર વખતની જેમ આવતા વર્ષે 28 ફેબ્રુઆરીએ યોજવાનું નિર્ધારિત હતું, પરંતુ કોરોના વાઈરસના ફેલાવાને કારણે એ હવે 2021ની 25 એપ્રિલે યોજાશે.