દિલીપ કુમારઃ પિતાનો બિઝનેસ જમાવવા માગતા હતા, બની ગયા એક્ટર..!!

હિન્દી ફિલ્મ જગતના મહાન અભિનેતા દિલીપ કુમારનો આજે 95મો જન્મદિવસ છે. પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આજે પોતાનો જન્મદિવસ ઉજવી શકવાના નથી. એમને અમુક મહિના પહેલાં ન્યુમોનિયા થયો હતો અને એને કારણે એમને સંપૂર્ણ આરામની સલાહ આપવામાં આવી છે. તેથી આજે એ બહુ ઓછા લોકોને મળશે.

દિલીપ કુમારની જીવનગાથા એવી છે કે તેઓ અકસ્માતપણે એક્ટર બન્યા હતા. ફિલ્મલાઈનમાં પ્રવેશવાનો એમનો કોઈ ઈરાદો જ નહોતો. એ તો મુંબઈમાં ક્રાફર્ડ માર્કેટમાં એમના પિતાના ફ્રૂટના ધંધાને જમાવવા માગતા હતા. 14 વર્ષ સુધી તો એમણે એકેય ફિલ્મ જોઈ જ નહોતી અને ફિલ્મ લાઈનમાં પ્રવેશ કર્યો એ પહેલાં એમણે માત્ર એક જ ફિલ્મ જોઈ હતી અને તે પણ એક દસ્તાવેજી ફિલ્મ હતી.

એક દિવસ સવારે, દિલીપ કુમાર (યુસુફ ખાન) ચર્ચગેટ સ્ટેશને ઊભા હતા. એમને ધંધાકીય કામ માટે એક વ્યક્તિને મળવા માટે દાદર જવાનું હતું. ત્યાં ચર્ચગેટ સ્ટેશન પર એમની મુલાકાત વિલ્સન કોલેજના પ્રોફેસર ડો. મસાની સાથે થઈ. દિલીપ કુમાર એ જ કોલેજમાં ભણ્યા હતા. દિલીપે ડો. મસાની પાસે જઈને પોતાનો પરિચય આપ્યો. મસાની પણ એમને ઓળખી ગયા. વાતવાતમાં દિલીપે મસાનીને જણાવ્યું કે પોતે સારી નોકરીની શોધમાં છે. મસાની ત્યારે મલાડના બોમ્બે ટોકિઝ ફિલ્મ સ્ટુડિયો જતા હતા. એમણે દિલીપને પોતાની સાથે આવવા કહ્યું. દિલીપ કુમારે ક્યારેય સ્ટુડિયો જોયો નહોતો. બોમ્બે ટોકિઝમાં એમની મુલાકાત સ્ટુડિયોનાં માલિકણ અને અભિનેત્રી દેવિકા રાની સાથે થઈ. દેવિકા દિલીપને જોઈને પ્રભાવિત થયાં હતાં અને બોમ્બે ટોકિઝમાં કામ કરવાની ઓફર કરી.

અમુક દિવસો બાદ દેવિકા રાનીએ દિલીપ કુમારને ફિલ્મમાં હીરો બનવાની ઓફર કરી. એમને એક રોલ માટે શિક્ષિત અને દેખાવડો યુવક જોઈતો હતો. એમણે દિલીપ કુમારને કહ્યું કે તને શીખવામાં ધગશ હોય તો ફિલ્મ જગતની બાબતોને ઝીણવટપૂર્વક શીખી લે.

દિલીપ કુમાર તૈયાર થયા અને ત્યારબાદ ઈતિહાસ સર્જાયો.

દિલીપ કુમારની પહેલી ફિલ્મ હતી જ્વાર ભાટા, જે 1944માં રિલીઝ થઈ હતી, પરંતુ એમને અસલી ઓળખ મળી હતી જુગ્નૂ ફિલ્મથી.

1944માં પહેલી ફિલ્મમાં ચમક્યા બાદ દિલીપ કુમારે ત્રણ દાયકા સુધી હિન્દી સિનેમા પર રાજ કર્યું હતું.

એમની જાણીતી ફિલ્મો છેઃ જુગ્નુ (1947), અંદાઝ (1949), આન (1952), દેવદાસ (1955), નયા દૌર (1957), મધુમતી (1958), મુગલ-એ-આઝમ (1960), ગંગા જમના (1961), રામ ઔર શ્યામ (1967) વગેરે.

દિલીપ કુમારે 1976માં પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. ત્યારબાદ 1981માં ક્રાંતિ સાથે મોટા પડદા પર કમબેક કર્યું હતું. 1982માં શક્તિ, 1986માં કર્મા, 1991માં સૌદાગર ફિલ્મો સાથે તેઓ ફરી પડદા પર છવાઈ ગયા હતા.

દિલીપ કુમારે એમની કારકિર્દી દરમિયાન બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ આઠ વખત જીત્યો છે અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આ એક રેકોર્ડ છે.


દિલીપ કુમાર (ક્લોઝઅપ)

જન્મઃ 11 ડિસેમ્બર, 1922
જન્મ સ્થળઃ પેશાવર (હાલના પાકિસ્તાનમાં)
ખરું નામઃ મોહમ્મદ યુસુફ સરવરખાન.
ફિલ્મી નામ દિલીપ કુમાર સ્વ. ડાયરેક્ટર અમીય ચક્રવર્તિએ પાડ્યું હતું.
દેવલાલીની આર્મી કેન્ટિનમાં એક સમયે મેનેજર હતા.
સફેદ કપડાં પહેરવા વધારે ગમે.
1966ની 11 સપ્ટેંબરે સહ-કલાકાર અભિનેત્રી સાયરાબાનુ સાથે લગ્ન કર્યા.
1981ની 30 મેએ અસ્મા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. 1983ની 20 જાન્યુઆરીએ એને તલાક આપ્યા હતા.
એમના પિતા ક્રાફર્ડ માર્કેટમાં ફળોની દુકાન ચલાવતા હતા.
પંદર વર્ષની ઉંમરે પિતાના ધંધામાં મદદ કરવા માંડેલી.
પ્રારંભિક શિક્ષણ દેવલાલીમાં લીધું હતું. ત્યારબાદ મુંબઈ આવીને બી.એ. થયા હતા.
વાંચનના શોખીન
ઉમર ખય્યામ, મિર્ઝા ગાલિબ, અકબર ઈલાહાબાદી, ફૈઝ એહમદ ફૈઝ વગેરે શાયરોના ચાહક. એ બધાનાં સેંકડો શેર મોઢે હોય.
પતંગ ઉડાડવાનો બહુ શોખ હતો. પતંગબાજ તરીકે જાણીતા હતા.
ક્રિકેટનું ગાંડપણ હતું. મુશ્તાક અલી અને સી.કે. નાયડુની ફટકાબાજીના ચાહક. જિમખાનામાં જઈને ચેસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન રમતા.
હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને મરાઠી ભાષા પર સારો કાબૂ.
1981માં મુંબઈના શેરીફ બન્યા હતા.
14 વર્ષની ઉંમર સુધી એકેય ફિલ્મ જોઈ નહોતી.
મૂવી ટાઈમ્સ નામના પેપરમાં ‘દિલ એક મંદિર’ ફિલ્મની સમીક્ષા લખી હતી જેનું કટિંગ એક્ટર રાજેન્દ્રકુમારે વર્ષો સુધી સાચવી રાખ્યું હતું.
એકાંતપ્રિય વ્યક્તિ.
ધર્મમાં માને છે. નમાઝ, રોજા ચુસ્તપણે રાખે.
સંગીતના ચાહક. ગુલામઅલી ખાંની ઠુમરી, બેગમ અખ્તરની ગઝલોનાં શોખીન.
યુનાની ચિકિત્સા પદ્ધતિમાં માને.
વિદેશી સ્ટાર્સમાં ક્લાર્ક ગેબલ, જેમ્સ ડીન વધારે પસંદ.
ડાયરી લખવાનો શોખ.
પોતાની ફિલ્મોના પ્રીમિયર શોમાં ભાગ્યે જ જતા.
ફિલ્મી પાર્ટીઓમાં પણ ઓછા જતા.
રવિવાર મોટે ભાગે લોનાવલામાં પસાર કરતા.
પરફ્યૂમ અને ભપકો જરાય પસંદ નહીં.


wwwww