‘ગલીબોય’ ફેમ ગુજરાતી રેપર ધર્મેશ પરમાર (24)નું નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મ ‘ગલી બોય’માં પોતાના શાનદાર રેપ ગીતથી લોકોને પ્રભાવિત કરનાર મુંબઈનિવાસી જાણીતા ગુજરાતી રેપર ‘એમ.સી. તોડ ફોડ’ ઉર્ફે ધર્મેશ પરમારનું નિધન થયું છે. એ 24 વર્ષના હતા. એમના નિધનનું કારણ તત્કાળ જાણવા મળ્યું નથી, પરંતુ કહેવાય છે કે એમનું નિધન એક કાર અકસ્માતમાં થયું હતું. એમના નિધનના સમાચાર જાણ્યા બાદ ‘ગલી બોય’ના અભિનેતાઓ – રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદી તથા ફિલ્મનાં નિર્માત્રી-ડાયરેક્ટર ઝોયા અખ્તરે સોશિયલ મિડિયા મારફત પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ધર્મેશ પરમાર દાદર ઉપનગરના નાયગાંવ વિસ્તારમાં આવેલી બીડીડી ચાલમાં રહેતા હતા. ગઈ કાલે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

ધર્મેશ એમના આકર્ષક અને ટ્રેન્ડી રેપ ગીતોને કારણે જાણીતા થયા હતા. તેઓ ‘સ્વદેશી’ લેબલ આઝાદી રેકોર્ડ્સ તથા 4/4 એન્ટરટેનમેન્ટ નામક મેનેજમેન્ટ કંપની સાથે સંકળાયેલા હતા. આ જ કંપનીએ પરમારના નિધનના સમાચારને ગઈ કાલે સોશિયલ મિડિયા પર સમર્થન આપ્યું હતું.

સ્વદેશીની સ્થાપના 2013માં કરવામાં આવી હતી. તોડ ફોડ ઉર્ફે ધર્મેશ એમાં પરફોર્મ કર્યું હતું. એમનું ગીત ‘ધ વાર્લી રીવોલ્ટ’ બહુ જાણીતું થયું છે. તોડ ફોડે સ્વદેશી સાથે છેલ્લે જે ગીત પરફોર્મ કર્યું હતું એની એક સંક્ષિપ્ત વિડિયો ક્લિપ સ્વદેશી મૂવમેન્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. એમાં તેણે લખ્યું છે કે, ‘આ એ રાત હતી જેમાં તોડ ફોડે સ્વદેશી મેલા ખાતે તેનું આ આખરી ગીત પરફોર્મ કર્યું હતું… તને ક્યારેય ભૂલી શકાશે નહીં… તું તારા સંગીત સાથે કાયમ જીવંત રહીશ.’ જુઓ એ ક્લિપ…

https://www.instagram.com/p/CbWuyQAAav3/

2019માં, તોડ ફોડ (ધર્મેશ) અને સ્વદેશીને બીજા ભારતીય હિપ-હોપ કલાકારો સાથે ઝોયા અખ્તરની ‘ગલી બોય’ ફિલ્મનો હિસ્સો બનવાનું આમંત્રણ મળ્યું હતું. તોડ ફોડે ‘ઈન્ડિયા 91’ માટે એક પંક્તિ લખી હતી, જે ‘ગલી બોય’ના સાઉન્ડટ્રેકનો મહત્ત્વનો અંશ હતી.

રણવીર સિંહે એના ટ્વિટર હેન્ડલ પર સ્વ. રેપર ધર્મેશની એક તસવીર શેર કરી છે, જેમાં ધર્મેશનો રેપર લુક જોઈ શકાય છે. રણવીરે આ તસવીર મૂકીને તોડ ફોડને ટેગ પણ કર્યા છે અને દિલ તૂટી ગયાનું દર્શાવતું ઈમોજી શેર કર્યું છે. સિદ્ધાંતે ધર્મેશ સાથે એની વાતચીત વખતનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે ‘RIP bhai.’

ધર્મેશ પરમારના નિધન અંગે તપાસ કરવામાં આવી રહી છે. તે પૂરી થાય એ પછી જ એના નિધનનું કારણ જાણવા મળશે.