ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન

નવી દિલ્હીઃ જાણીતા ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મિડિયા પર આપી છે. તેમણે પોસ્ટમાં કહ્યું હતું કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી, 2024એ નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેઓ 73 વર્ષના હતા.

તેમની ઉંમર 73 વર્ષની હતી. તેમને મોટી ઓળખ ફેમસ ગઝલ ‘ચિટ્ઠી આઈ હૈ’ ગીતથી મળી હતી.આ દુઃખદ સમાચાર સામે આવતા જ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સોશિયલ મિડિયા પર દરેક લોકો અશ્રુભીની આંખો સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંકજ ઉધાસ કોણ છે, તેઓ ગુજરાતના વતની

પંકજ ઉધાસનો જન્મ ગુજરાતના જેતપુરના ચરખડી ગામમાં થયેલો છે. તેમના પરિવારમાં તે સૌથી નાના હતા. તેમને ત્રણ ભાઈઓ છે. ત્રણે ભાઈ ગાયક કલાકાર છે. તેમના સૌથી મોટા ભાઈ મનહર ઉધાસ અને બીજા ભાઈ નિર્મલ ઉધાસ છે. તેમના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જિતુબેન ઉધાસ, પંકજ ઉધાસે પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યો, ત્યાર બાદ પરિવાર મુંબઈ શિફ્ટ થયા બાદ તેમણે મુંબઈ સેન્ટ ઝેવિયર્સમાં કોલેજ કરી હતી.

પંકજ ઉધાસે અનેક આલબમ તેમજ લાઇવ કોન્સર્ટ કર્યા છે જેના કારણે એમની લોકપ્રિયતા ખૂબ વધી. પંકજ ઉધાસને ભારતના ચોથા સર્વોચ્ય નાગરિક પુરસ્કાર, પદ્મશ્રીથી નવાઝવામાં આવ્યા છે. પંકજે 1982માં ફરીદા ઉધાસ સાથે લગ્ન કર્યા.તેમણે હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં પણ અવાજ આપ્યો હતો. ઉધાસને તેમના અભિનય માટે અનેક પુરસ્કારો પણ મળ્યા છે. પંકજ ઉધાસ ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રિય અને આદરણીય કલાકારોમાંના એક છે. તેમની પ્રતિભા અને સિદ્ધિઓને હંમેશા યાદ કરવામાં આવશે.