‘વેલકમ 3’નું શૂટિંગ શરૂ ન કરવાની સિને કર્મચારીઓની સંસ્થાની કલાકારોને અપીલ

મુંબઈઃ અક્ષય કુમાર, રવીના ટંડન, દિશા પટની, સંજય દત્ત જેવા કલાકારો દ્વારા અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘વેલકમ 3’ (અથવા ‘વેલકમ ટૂ ધ જંગલ’)નું શૂટિંગ શરૂ ન કરવાની FWICE સંસ્થા (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ)એ માગણી કરી છે.

આ સંસ્થાએ ‘વેલકમ 3’ના તમામ કલાકારોને અપીલ કરી છે કે તેઓ શૂટિંગ રોકી દે. સંસ્થાએ આ ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલા પર આરોપ મૂક્યો છે કે તેમણે અગાઉની ‘વેલકમ 2’ ફિલ્મના નિર્માણમાં સામેલ થયેલાં કર્મચારીઓ, ટેક્નીશિયન્સને વળતર ચૂકવ્યું નથી. જ્યાં સુધી એ વળતર ન ચૂકવે ત્યાં સુધી કલાકારોએ ‘વેલકમ’ શ્રેણીની ત્રીજી આવૃત્તિનું કામ (શૂટિંગ) શરૂ કરવું નહીં.

સંસ્થાનો આરોપ છે કે ‘વેલકમ 2’ માટે ટેક્નીશિયન્સને પહેલાં ચાર કરોડ રૂપિયામાં બુક કરવામાં આવ્યા હતા, પણ બાદમાં તે રકમને ઘટાડીને રૂ. બે કરોડ કરવામાં આવી હતી. તે પછી ટેક્નીશિયન્સ જ્યારે બેન્કમાં બે કરોડ લેવા ગયા હતા ત્યારે એ રકમ પણ રદ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન 2015માં ‘વેલકમ 2’ રિલીઝ કરી દેવામાં આવી હતી.