‘પદ્માવતી’ ફિલ્મ, ભણસાલીના ટેકામાં ફિલ્મ ઉદ્યોગે પાળ્યો 15-મિનિટનો બ્લેકઆઉટ

મુંબઈ – દિગ્દર્શક અને નિર્માતા સંજય લીલા ભણસાલીના ટેકામાં એકતા પ્રદર્શિત કરવા અને એમની ફિલ્મ ‘પદ્માવતી’ સામેના વિરોધનો પ્રતિકાર કરવા માટે ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગે અહીંના ફિલ્મસિટી ખાતે શૂટિંગ પ્રવૃત્તિઓને આજે બપોરે 3.30 વાગ્યાથી 15-મિનિટ માટે બંધ રાખી હતી.

ઈન્ડિયન ફિલ્મ્સ એન્ડ ટીવી ડાયરેક્ટર્સ એસોસિએશન (IFTDA) તથા ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ સાથે સંકળાયેલા બીજી 19 સંસ્થાઓએ 15-મિનિટ માટે એમના અનેક શૂટિંગ બંધ રાખ્યા હતા.

એ માટે તેમણે ‘મૈં આઝાદ હૂં’ થીમ પસંદ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભણસાલી દ્વારા દિગ્દર્શિત ‘પદ્માવતી’ ફિલ્મમાં ઐતિહાસિક હકીકતો સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને અનેક રાજપૂત સંગઠનો અને રાજકીય નેતાઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે.

ભણસાલીએ જોકે એવા આક્ષેપોને રદિયો આપ્યો છે.

ફિલ્મ અને ટીવી સિરિયલ એક્ટર પવન મલ્હોત્રાએ કહ્યું છે કે આ તકલીફ માત્ર એક ફિલ્મ પૂરતી નથી. આવું દરેક વખતે થાય છે. પરિસ્થિતિ રોજેરોજ બગડી રહી છે. અમારે શું પહેરવું, શું ખાવું અને કેવી રીતે વાત કરવી એવું કેટલાક લોકો અમને શિખડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

મલ્હોત્રાએ એમ પણ કહ્યું છે કે વહીવટીતંત્રે હવે આ બાબતમાં જરૂરી પગલાં લેવાની જરૂર છે.

‘પદ્માવતી’ ફિલ્મમાં દીપિકા પદુકોણે શિર્ષક ભૂમિકા કરી છે જ્યારે શાહિદ કપૂર મહારાવલ રતન સિંહ અને રણવીર સિંહ સુલતાન અલાઉદ્દીન ખિલજીના રોલમાં છે.

ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, પણ દેશના અનેક ભાગોમાં રોષની લાગણી પ્રવર્તતી જોઈને નિર્માતા કંપનીએ ફિલ્મની રિલીઝ તારીખને મોકૂફ રાખી છે.

સેન્સર બોર્ડે પણ હજી સુધી આ ફિલ્મને મંજૂરી આપી નથી.