માનુષી છિલ્લરની ઈચ્છા આમિર ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની છે

મુંબઈ – મિસ વર્લ્ડ 2017નો તાજ જીતનાર માનુષી છિલ્લરે જણાવ્યું છે કે પોતે આમિર ખાન સાથે કોઈક ફિલ્મમાં કરવા ઈચ્છે છે, કારણ કે આ સુપરસ્ટાર સામાજિક વિષયોવાળી ફિલ્મો બનાવવા માટે જાણીતો છે.

માનુષી હાલમાં જ ચીનના સાન્યા શહેરમાં યોજાઈ ગયેલી મિસ વર્લ્ડ-2107 સ્પર્ધામાં વિજેતા બની હતી.

હરિયાણામાં જન્મેલી માનુષી મેડિકલ ક્ષેત્રની સ્ટુડન્ટ છે. એનું કહેવું છે કે બોલીવૂડમાં તમામ કલાકારો સુંદર અને દેખાવડાં છે, પણ આમિર ખાન અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા મારાં ફેવરિટ્સ છે.

અહીં પત્રકારો સાથેની વાતચીતમાં માનુષીએ કહ્યું કે મને આમિર ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની બહુ જ ઈચ્છા છે. મારું માનવું છે કે એ તમને પડકારવાળી ભૂમિકાઓ આપે છે. સાથોસાથ, એની ફિલ્મો અમુક સંદેશ પણ વહેતા કરે છે અને સમાજ સાથે જોડે છે. તેથી એની સાથે ફિલ્મમાં કામ કરવાનું મને બહુ જ ગમશે. અભિનેત્રીઓમાં, મારી ફેવરિટ પ્રિયંકા ચોપરા છે.

પ્રિયંકાએ 2000ની સાલમાં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો.

20 વર્ષની માનુષી આ વર્ષના મે મહિનામાં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ-2017 બની હતી.

બોલીવૂડમાં જોડાવાની યોજના વિશે પૂછવામાં આવ્યું તો માનુષીએ કહ્યું કે હાલને તબક્કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાવાનો મારો કોઈ પ્લાન નથી. આ વર્ષ કેવું જાય છે એ વિશે હું રોમાંચ અનુભવી રહી છું. મારે ખૂબ પ્રવાસ કરવો પડશે, જુદા જુદા ખંડના દેશોની મુલાકાતે જવું પડશે. અમે સ્ત્રીઓમાં માસિક ધર્મ વખતે સ્વચ્છતા જાળવવા વિશે જનજાગૃતિ ફેલાવવાનાં છીએ. એ માટે હું મારી બીજી મિસ વર્લ્ડ બહેનો સાથે જોડાઈશ. હાલને તબક્કે બોલીવૂડમાં જોડાવાનો મારો કોઈ પ્લાન નથી. એ વિશે હું ખરેખર કંઈ કહી શકું એમ નથી.