મુંબઈઃ સ્થાનિક કોર્ટના આદેશ પછી ગઈ કાલે એક વકીલે કોર્ટ વિશે અપમાનજનક ટ્વિટ પોસ્ટ કરવા બદલ બોલિવુડ એક્ટ્રેસ કંગના રણોતની સામે એક ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી છે. આ પહેલાં બાંદરા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશ પર તેની સામે એક વધુ કેસ નોંધ્યા પછી પોલીસે આવતા સપ્તાહે કંગના રણોત અને તેની બહેનને પૂછપરછ માટે બોલાવી છે. કંગના પર ધાર્મિક ભાવના ભડકાવવાનો અને કલાકારોને હિન્દુ-મુસલમાનોમાં વહેંચવાનો અને સામાજિક દ્વેષને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે.
અંધેરી કોર્ટમાં વકીલ અલી કાસિફ ખાન દેશમુખે રણોત પર બે ધાર્મિક જૂથો વચ્ચે વિવાદ ઊભા કરવા માટે રાજદ્રોહ અને તેના પર ટ્વીટ કરવાના આરોપ મૂક્યા હતા. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે બોલીવૂડ અભિનેત્રી ભારતના વિવિધ ધાર્મિક જૂથો અને સત્તાવાર સરકારી સંસ્થાઓનું સન્માન નથી જાળવતી અને તેણે કોર્ટની પણ મજાક ઉડાવી હતી.
આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે બાંદરા કોર્ટે પોલીસને કંગના રણોતની સામે રિપોર્ટ સુપરત કરવાના આદેશ પછી તેણે કોર્ટની સામે બદઇરાદાપૂર્વક અને અપમાનજનક ટ્વીટ પોસ્ટ કરી હતી અને પપ્પુ સેના કહી હતી. આ મામલાની સુનાવણી 10 નવેમ્બરે અંધેરી કોર્ટમાં થશે.
બાંદરા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે શનિવારે પોલીસને કાસ્ટિંગ કાઉચના ડિરેક્ટર મુનવ્વર અલી સૈયદની ફરિયાદ પર તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ ફરિયાદમાં કંગના રણોત અને તેની બહેન દ્વારા કરવામાં આવેલાં ટ્વીટ્સ અને અન્ય નિવેદનોનો ઉલ્લેખ છે.