નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ ભારત દેશ અત્યારે લડી રહ્યો છે. ત્યારે બોલીવૂડ સિતારા જરૂરિયાતમંદો તેમજ કોરોના યોદ્ધાઓને મદદ માટે આગળ આવ્યા છે. પીએમ કેર્સ ફંડથી લઈને કેટલીય સેવાભાવી સંસ્થાઓમાં આ સ્ટાર્સે મદદ કરી છે. આ સિવાય જરુરીયાતમંદોને કરિયાણું આપવાનું કામ પણ સતત સેલેબ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે એક્ટર ફરહાન અખ્તરે સ્વાસ્થ્ય કર્મચારીઓની મદદ કરી છે.ફરહાન અખ્તરે જાહેરાત કરી છે કે, તેણે કોરોના સામેના જંગમાં આગળ પડતી સેવા બજાવી રહેલા કર્મચારીઓની મદદ માટે 1000 વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ – PPE) કીટનું યોગદાન આપ્યું છે. આ સાથે જ તેણે લોકોને કોવિડ-19 વિરુદ્ધની લડાઈને સરળ બનાવવામાં મદદનો આગ્રહ પણ કર્યો છે.
ફરહાન અખ્તરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કરતા જણાવ્યું છે કે, તેમણે સરકારી હોસ્પિટલોમાં વ્યક્તિગત રુપથી 1000 પીપીઈ કીટનું યોગદાન આપ્યું છે અને સાથે જ લોકોને અપીલ કરી છે કે, તેઓ શક્ય તેટલું દાન કરે.
ફરહાને જણાવ્યું કે, પીપીઈ કીટની કિંમત 650 રુપિયા છે અને હોસ્પિટલમાં આ કીટની સૌથી વધારે જરુર છે. તેમણે જણાવ્યું કે, મદદ કરનારા દરેક વ્યક્તિને તેઓ વ્યક્તિગત રુપે ધન્યવાદ આપશે.
