મુંબઈ – 1993માં આવેલી અને સુપરહિટ નિવડેલી હિન્દી ફિલ્મ ‘ડર’ના સેટ પર સની દેઓલને થયેલો એક ઝઘડો બહુ ચર્ચામાં રહ્યો હતો.
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સની દેઓલે કહ્યું હતું કે યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળની ‘ડર’ ફિલ્મના 16 વર્ષ સુધી પોતે સહ-કલાકાર શાહરૂખ ખાન સાથે બોલ્યા નહોતા.
સની દેઓલ, જે હવે ભારતીય જનતા પાર્ટીના પંજાબના ગુરદાસપુરના સંસદસભ્ય બની ગયા છે, એમણે રજત શર્મા સંચાલિત ‘આપ કી અદાલત’ ટીવી શોના એક એપિસોડ વખતે આમ જણાવ્યું છે. એની એક ક્લિપ પરથી સની દેઓલની વાત જાણવા મળી છે. એમાં રજત શર્માએ સનીને પૂછ્યું હતું કે, ‘શું એ વાત ખરી છે કે ‘ડર’ ફિલ્મના શૂટિંગ વખતે નિર્માતાઓથી લઈને શાહરૂખ ખાન જેવા તમારા સહ-કલાકાર, તમારાથી ડરતા હતા.’ એના જવાબમાં સની દેઓલે કહ્યું કે, ‘કદાચ એટલા માટે કે એ લોકો જાણતા હતા કે એ લોકો ખોટા હતા.’
યશ ચોપરા દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત ‘ડર’ ફિલ્મ સાઈકોલોજિકલ થ્રિલર હતી, જેમાં શાહરૂખે એક ઝનૂની પ્રેમીનો રોલ કર્યો હતો. શાહરૂખે ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા કરી હતી તે છતાં એનો ‘આઈ લવ યૂ ક..ક..ક.. કિરન’ બહુ જાણીતો થયો છે.
એ ફિલ્મ માટે સની દેઓલના રોલ માટે પહેલાં રિશી કપૂર અને જેકી શ્રોફને પસંદ કરવામાં આવ્યા હતા અને નકારાત્મક ભૂમિકા માટે શાહરૂખની પહેલાં આમિર ખાન અને અજય દેવગનને પસંદ કરવામાં આવ્યા હતા. આખરે હિરોનો રોલ સનીને અને વિલનનો રોલ શાહરૂખને આપવામાં આવ્યો હતો. ફિલ્મમાં સનીની પત્નીનો રોલ જુહી ચાવલાએ કર્યો હતો.
એક મુલાકાતમાં, સનીએ કહ્યું હતું કે, ‘શાહરૂખવાળો વિલનનો રોલ ફિલ્મમાં વધારે ચડિયાતો રખાયો હતો એટલે પોતે અપસેટ હતા, પરંતુ આખરે લોકોએ ફિલ્મમાં મારો રોલ પસંદ કર્યો હતો. એમણે શાહરૂખ ખાનનાં રોલને પણ પસંદ કર્યો હતો. ફિલ્મ વિશે મારી એક જ સમસ્યા એ હતી કે મને ક્યારેય ખબર નહોતી પડી કે એ લોકો વિલનને વધારે પ્રભાવશાળી કરવાના હતા.’
httpss://twitter.com/RajatSharmaLive/status/1139549040914206724