‘ડિસ્કો કિંગ’ મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટર મિથુન ચક્રવર્તીનું ફિલ્મજગતમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેમણે તેમની કેરિયરમાં એક-એકથી ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેથી મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે. તેમને આ એવોર્ડ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે. આ એવોર્ડ સમારોહ આઠ ઓક્ટોબરે આયોજિત કરવામાં આવશે.

એક્ટરે કેરિયરના પ્રારંભમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે એ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં તેમનો એક જમાનો હતો. તેમના નામના સિક્કા પડતા હતા. સિનેમામાં યોગદાન માટે તેમની દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી થઈ છે.  એક્ટર મિથુન માત્ર એક્ટિંગમાં જ નહીં, પરંતુ એક્શન અને ડાન્સિંગમાં પણ એક્સપર્ટ છે. તેણે વિવિધ ભાષાઓમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે – બંગાળી, હિન્દી, ઉડિયા, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ અને પંજાબી. તેની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ મૃગયા હતી. આ ફિલ્મમાં તેનો બહુ નાનો રોલ હતો. આ પછી તેણે તેરે પ્યાર મેં, પ્રેમ વિવાહ, હમ પાંચ, ડિસ્કો ડાન્સર, હમ સે હૈ જમાના, ઘર એક મંદિર, અગ્નિપથ, તિતલી, ગોલમાલ 3, ખિલાડી 786 અને ધ તાશ્કંદ ફાઇલ્સમાં કામ કર્યું.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે X પર પોસ્ટ શેર કરી, જેમાં તેમણે આ માહિતી શેર કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે મિથુન ચક્રવર્તીની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે. તેમને આ સન્માન ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવી રહ્યું છે. જ્યારે અભિનેતા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના ચાહકો ખૂબ જ ખુશ છે. વડા પ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.

મિથુન ચક્રવર્તીએ અભિનય ઉપરાંત માર્શલ આર્ટમાં નિષ્ણાત તાલીમ લીધી છે અને તે બ્લેક બેલ્ટ પણ છે. મિથુન 80ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહ્યા છે. તેમણે હિન્દી ફિલ્મોમાં ડાન્સને નવી ઓળખ આપી. એક સમય હતો જ્યારે મિથુનના ડાન્સના કારણે જ ફિલ્મ હિટ થતી હતી.મિથુનને નામે ક રેકોર્ડ નોંધાયેલો છે. મિથુને સૌપ્રથમ રૂ. 100 કમાણી કરતી હિટ ફિલ્મ આપી હતી, તેમની ડિસ્કો ડાન્સરે રૂ. 100 કરોડનો બિઝનેસ કરી ઇતિહાસ રહ્યો હતો.