મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો છે અને એમાં પણ મુંબઈમાં પણ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરના ઘરમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. એમને ત્યાં ઘરકામ કરનાર 23 વર્ષીય ચરણ સાહુ નામના નોકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બોની કપૂરે જણાવ્યું છે કે ચરણે શનિવારે સાંજે પોતે અસ્વસ્થ હોવાની ફરિયાદ કરી હતી. જેથી કપૂરે તેને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. ચરણના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી એને તરત જ લોખંડવાલા વિસ્તારસ્થિત અન્ય ઘેર આઇસોલેશનમાં મૂકવામાં આવ્યો હતો.
બોની કપૂરે જણાવ્યું હતું કે પોતે અને બે દીકરી – જ્હાન્વી અને ખુશી તથા ઘરના અન્ય તમામ કર્મચારીઓ એકદમ સ્વસ્થ છે. તેઓ કોરોના સામે જરૂરી તકેદારી લઈ રહ્યાં છે. પરિવારના સભ્યોમાં કોઈને પણ આ વાઇરસનાં એક પણ લક્ષણ નથી. લોકડાઉન શરૂ થયું ત્યારથી સૌ ઘરમાં જ છે.
અહેવાલ મુજબ ચરણનો ટેસ્ટ પોઝિટિવ આવતાં બોની કપૂરે તરત જ હાઉસિંગ સોસાયટીના સંચાલકોને, સંબંધિત સત્તાવાળાઓને, બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને જાણ કરી દીધી હતી.
બોની કપૂરે મહારાષ્ટ્ર સરકાર અને BMCનો આભાર માનતાં કહ્યું હતું કે તેમણે તરત જ કાર્યવાહી કરીને સાહુને ક્વોરન્ટાઇન સેન્ટરમાં દાખલ કરી દીધો હતો.