પરિવાર-બોલીવૂડે સ્વ. સુશાંતને 35મી જન્મતિથિએ યાદ કર્યો

મુંબઈઃ હિન્દી ફિલ્મોનો તેજસ્વી અને પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂત યુવાન વયે, 2020ના જૂનમાં આ દુનિયાને અલવિદા કરી ગયો હતો, પરંતુ અભિનયશક્તિ અને મળતાવડા સ્વભાવને કારણે તે માત્ર એનાં પરિવારજનોમાં જ નહીં, પણ લાખો પ્રશંસકોના હૃદયમાં આજે પણ એક વિશેષ સ્થાન ધરાવે છે. સુશાંત જો આજે હયાત હોત તો પોતાનો 35મો જન્મદિવસ ઉજવતો હોત. તેની યાદમાં એની બહેન, મિત્રો તથા બોલીવૂડની અમુક હસ્તીઓએ સોશિયલ મિડિયા પર હૃદયસ્પર્શી મેસેજ મૂક્યા છે. ભૂમિ પેડણેકર, કિયારા અડવાની, અંકિતા લોખંડે, રાજકુમાર રાવ, જેક્લીન ફર્નાન્ડિસ, કોએના મિત્રા, પુલકિત સમ્રાટ, એકતા કપૂરે સોશિયલ મિડિયા પર મેસેજ મૂકીને સ્વર્ગીય અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

સુશાંતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ એનાં ભાઈની યાદમાં કેલિફોર્નિયામાં એક વિશેષ શિષ્યવૃત્તિ ભંડોળની સ્થાપનાની જાહેરાત કરી છે. અમેરિકામાં રહેતાં શ્વેતાસિંહ કીર્તિએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે સુશાંતની સ્મૃતિમાં બર્કેલીમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં સુશાંતસિંહ રાજપૂત મેમોરિયલ ફંડની સ્થાપના કરવામાં આવી છે અને જે કોઈને એસ્ટ્રોફિઝિક્સ વિષયમાં રૂચિ હોય એમાં અભ્યાસ કરવામાં મદદરૂપ થવા આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. સુશાંતને એસ્ટ્રોફિઝિક્સ વિષયમાં ખૂબ રૂચિ હતી અને આ ફંડ તેનું સપનું પરિપૂર્ણ કરવાની દિશા તરફનું એક ડગલું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]