‘ભેડિયા’નું ટ્રેલરઃ હોલીવુડ VFXનો ભરપૂર ઉપયોગ

મુંબઈઃ વરુણ ધવનને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘ભેડિયા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. વરુણે બોલીવુડમાં પ્રવેશ કર્યાને આજે 10 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે તેની આ નવી હોરર કોમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું છે. ફિલ્મમાં વરુણ જંગલી વરુનું રૂપ ધારણ કરનાર માનવનાં રોલમાં છે.

ફિલ્મના ટ્રેલરમાં એક્શન, કોમેડી, હોરર, દિલધડક વિઝ્યુઅલ્સ અને સરસ વીએફએક્સ (વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) જોવા મળે છે. ટ્રેલર ‘અમેરિકન વેરવુલ્ફ ઈન લંડન’, ‘ધ ફ્લેશ’ જેવી ઘણી વિદેશી ફિલ્મોની યાદ અપાવે છે. તદુપરાંત વરુણનો ભેડિયા લુક વુલ્વરીન ફિલ્મમાં હ્યુગ જેકમેનના લુક જેવો જ છે. ફિલ્મનું શૂટિંગ અરૂણાચલ પ્રદેશના જંગલમાં કરવામાં આવ્યું હતું. વરુણે ભાસ્કર નામના યુવકનો રોલ કર્યો છે જેને એક કાલ્પનિક વરુ કરડી જતાં તે અવારનવાર વરુ જેવા પ્રાણીમાં પરિવર્તિત થવા માંડે છે. ફિલ્મમાં અનેક વળાંકો અને સાથોસાથ રમૂજની છોળ ઊડવાની પણ ટ્રેલર પરથી ખાતરી મળે છે. ફિલ્મમાં ક્રિતી સેનન પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ આવતી 25 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.