મુંબઈઃ લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં અનિતાભાભીની ભૂમિકા કરતી અભિનેત્રી સૌમ્યા ટંડનનાં હેર ડ્રેસરને કોરોના વાઈરસ બીમારી લાગુ પડી છે એટલે સિરિયલનાં નિર્માતાઓએ સૌમ્યાને થોડાક દિવસો સુધી શૂટિંગ ન કરવાની સલાહ આપી છે.
જોકે, સિરિયલનાં અન્ય કલાકારોનું શૂટિંગ ચાલુ છે.
કોરોના વાઈરસ બીમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં સરકાર દ્વારા ઢીલ અપાયા બાદ હવે ટીવી સિરિયલોનું શૂટિંગ ફરી શરૂ થઈ ગયું છે. હાલ તમામ કલાકારો તથા કસબીઓ આરોગ્ય વિષયક નક્કી કરાયેલા નિયમોનું પાલન કરીને શૂટિંગ કરી રહ્યાં છે. સેટ ઉપર પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
તે છતાં ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના સેટ પર કોરોનાનો એક કેસ નોંધાયો છે. આ સિરિયલના એક ક્રૂ-મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એને કારણે સનસનાટી મચી ગઈ છે.
આ સિરિયલમાં ‘અનિતાભાભી’ એટલે કે ‘ગોરી મેમ’ની ભૂમિકા ભજવતી સૌમ્યા ટંડનનાં પર્સનલ હેરડ્રેસરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એને તત્કાળ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.
સાથોસાથ, સૌમ્યાને થોડાક દિવસો માટે બ્રેક લેવાની નિર્માતાઓએ સલાહ આપી છે. હાલ એનાં ભાગનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. એને સેટ પર ન આવવાનું, તેમજ ઘરમાં રહીને પોતાની સંભાળ લેવાનું જણાવી દેવામાં આવ્યું છે.
