ભોપાલમાં વેબસિરીઝ ‘આશ્રમ’ના સેટ પર તોડફોડ કરાઈ

ભોપાલઃ બજરંગ દળના કાર્યકર્તાઓએ અત્રે વેબસિરીઝ ‘આશ્રમ’ની ત્રીજી આવૃત્તિના સેટ પર ગઈ કાલે કથિતપણે તોડફોડ કર્યાનો અહેવાલ છે. એમણે વેબસિરીઝ અને ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા ઉપર હુમલો પણ કર્યો હતો. એમની પર કાળી શાહી ફેંકી હતી. ‘આશ્રમ’ વેબસિરીઝમાં હિન્દુઓને ખોટી અને અશ્લીલ રીતે દર્શાવવા સામેના વિરોધમાં આ હુમલો કરાયો હતો એવું બજરંગ દળના મધ્ય પ્રદેશના સંયોજક સુશીલ સુરહેલેએ કહ્યું છે.

કાર્યકર્તાઓએ વેબસિરીઝના ક્રૂ સભ્યોની બે બસની બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા. બજરંગ દળે ધમકી આપી છે કે પ્રકાશ ઝા આ વેબસિરીઝમાં હિન્દુ આશ્રમને ખોટી રીતે દર્શાવે છે. સંગઠન આ વેબસિરીઝનું ભોપાલમાં વધારે શૂટિંગ થવા નહીં દે. પોલીસે આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરી નથી.