રજનીકાંત ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’થી સમ્માનિત

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને આજે અહીં વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ એનાયત કર્યો હતો. ભારતીય સિનેમાજગતમાં આપેલા યોગદાન બદલ રજનીકાંતને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. પાર્શ્વગાયિકા આશા ભોસલે અને સંગીતકાર શંકર મહાદેવને આ એવોર્ડ માટે રજનીકાંતની પસંદગી કરી હતી. 2018માં ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો. વર્ષ 2019 માટે આ એવોર્ડની જાહેરાત 2020માં કરવામાં આવી હોત, પરંતુ કોરોના રોગચાળો ફેલાયો હોવાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી.

‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ અને ‘પંગા’ ફિલ્મોમાં કરેલા અભિનય બદલ કંગના રણોતને વર્ષની શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મનોજ બાજપાઈ (હિન્દી ફિલ્મ ‘ભોસલે’) અને ધનુષ (તામિલ ફિલ્મ ‘અસુરન’)ને આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મના એવોર્ડ માટે ‘છિછોરે’ અને મલયાલમ ફિલ્મ ‘મરાક્કર’ને પસંદ કરવામાં આવી છે. મલયાલમ ફિલ્મ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે હજી રિલીઝ કરવામાં આવી નથી.