મુંબઈ – હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલિવીઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII)ના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું છે.
આ હોદ્દા પરથી રાજીનામું આપવા માટે એમણે આંતરરાષ્ટ્રીય ફિલ્મો તથા ટીવીને લગતા અમુક કામોનું કારણ આપ્યું છે.
ટ્વિટર પર શેર કરેલા એક નિવેદનમાં ખેરે કહ્યું છે કે મને પ્રતિષ્ઠિત એવી FTII સંસ્થાના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં એ બદલ હું સ્વયંને સમ્માનિત થયાની લાગણી મહેસુસ કરું છું. મને આ કામગીરીનો ઘણો સરસ અનુભવ મળ્યો છે. પરંતુ, મારે અમુક આંતરરાષ્ટ્રીય કામો હોવાને કારણે હું ઈન્સ્ટિટ્યૂટની કામગીરીમાં પૂરતો સમય આપી શકું એમ નથી. તેથી મારું રાજીનામું સુપરત કરું છું.
આમ કહીને એમણે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવાઓની બાબતો, ખેલકૂદ ખાતાના પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોરનો આભાર માન્યો છે.
ખેરે 2017ના ઓક્ટોબરમાં આ પ્રતિષ્ઠિત સંસ્થાનું ચેરમેન સંભાળ્યું હતું.
ખેર હાલ અમેરિકન ટેલિવિઝન શો ન્યૂ એમ્સ્ટરડેમમાં ભૂમિકા ભજવે છે અને એના શૂટિંગ માટે હાલ ન્યુ યોર્કમાં શૂટિંગમાં વ્યસ્ત છે.