‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ટિકિટ બુકિંગ એક દિવસ વહેલું શરૂ કરાશે

મુંબઈ – અમિતાભ બચ્ચન અને આમિર ખાનને પહેલી જ વાર રૂપેરી પડદા પર રજૂ કરનાર હિન્દી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ની ટિકિટોનું એડવાન્સ બુકિંગ, જે નિર્ધાર્યા મુજબ આવતા શુક્રવારથી શરૂ થનાર હતું, પરંતુ ફિલ્મ વિશે લોકોમાં જાગેલી ઉત્કંઠા અને ઉત્સાહને ધ્યાનમાં લઈને IMAX થિયેટરોની માલિક કંપની આઈમેક્સ કોર્પોરેશને એક દિવસ વહેલું બુકિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ 8 નવેમ્બરથી ભારતમાં 17 IMAX થિયેટરોમાં તેમજ પસંદગીના દેશોમાં રિલીઝ થવાની છે.

તમામ ઓપરેટર્સ દ્વારા ફિલ્મની ટિકિટોનું એડવાન્સ બુકિંગ 3 નવેમ્બરથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પણ હવે તે બીજી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.

ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન ઉપરાંત કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

ફિલ્મ દેશ-વિદેશમાં આઈમેક્સ ફોર્મેટમાં ડિજિટલી રિલીઝ થવાની છે.

આ ફિલ્મ સૌથી પહોળા આઈમેક્સ સ્ક્રીન પર રિલીઝ થવાની છે. આ પહેલાં કોઈ ભારતીય ફિલ્મ આવડા મોટા સ્ક્રીન પર રિલીઝ થઈ નથી.

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર કરેલા રાજ વખતના સમયગાળાને પ્રદર્શિત કરનારી ફિલ્મ છે. એમાં બળવાખોરી, પ્યાર-મોહબ્બત અને આઝાદીની વાર્તા છે.

ફિલ્મની વાર્તા 1795માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતમાં આગમન બાદ શરૂ થાય છે. એ કંપની ભારતમાં ધંધો કરવા માટે આવી હતી, પણ બાદમાં એણે ભારતના લોકોને ગુલામ બનાવવાનું શરૂ કરી દીધું હતું. એનો એજન્ડા ભારતમાં શાસન કરવાનો હતો. ઘણા લોકો કંપનીના સિપાહીઓ સામે ઝૂકી જતા હતા, પણ આઝાદ (અમિતાભ બચ્ચન)ને ગુલામી મંજૂર નહોતી. એ અંગ્રેજો સામે લડે છે. એના ગેરીલા હુમલાઓથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બહુ નુકસાન થાય છે.

આઝાદને પકડવા માટે અંગ્રેજ અફસર ક્લાઈવ એક ષડયંત્ર ઘડે છે. જોકે એમાં એને આઝાદ જેવા ચાલાક ઠગની જરૂર હતી. એને માટે આ કામ કરવા કાનપુર અવધનો ફિરંગી મલ્લાહ (આમિર ખાન) તૈયાર થાય છે. ત્યારબાદ આઝાદ અને ફિરંગી વચ્ચે સંઘર્ષ, દાવપેચ શરૂ થાય છે. જોકે વાર્તા આગળ વધે છે તેમ ફિરંગી પણ અંગ્રેજોની વિરુદ્ધમાં થઈ જાય છે.

આઈમેક્સ ફોર્મેટમાં રિલીઝ થનારી આ પાંચમી ભારતીય ફિલ્મ છે. આ પહેલાં ‘ધૂમ 3’, ‘બેન્ગ બેન્ગ’, ‘બાહુબલી 2’ અને ‘પદ્માવત’ રિલીઝ થઈ ચૂકી છે.

આમિર અને કેટરીના આ પહેલાં ‘ધૂમ 3’માં સાથે ચમક્યાં હતાં.