દીપિકા પદુકોણનો ફેવરિટ સહ-અભિનેતા કોણ?

મુંબઈ – બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ જેની સાથે ફિલ્મોમાં ચમકી છે, જેની સાથે પ્રેમના સંબંધમાં બંધાઈ છે અને હવે આવતા મહિને જેની સાથે લગ્નના સંબંધમાં બંધાવાની છે તે સહ-અભિનેતા છે રણવીર સિંહ. આ બંને જણ એકબીજાને છેલ્લા છ વર્ષથી ડેટિંગ કરે છે અને હવે આવતા મહિનાની 14-15 તારીખે ઈટાલીના લેક કોમો ખાતે પરણી જવાના છે.

પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે દીપિકાનો મનપસંદ સહ-અભિનેતા રણવીર સિંહ નથી.

તો કોણ છે?

અમિતાભ બચ્ચન? ના. શાહરૂખ ખાન?ના. આમિર ખાન? ના.

એ છે – ઈરફાન ખાન. દીપિકા અને ઈરફાને ‘પિકુ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

એક મુલાકાત વખતે દીપિકાને જ્યારે પૂછવામાં આવ્યું કે તારો ફેવરિટ સહ-અભિનેતા કોણ? ત્યારે દીપિકાએ ઈરફાનનું નામ આપ્યું હતું. ‘ઈરફાન વગર ‘પિકુ’ ફિલ્મ મારા માટે સ્પેશિયલ બની શકી ન હોત. ઈરફાન મારો ફેવરિટ સહ-અભિનેતા છે,’ એમ દીપિકાએ કહ્યું.

દીપિકા અને ઈરફાન હવે વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત નવી ફિલ્મમાં સાથે ચમકવાનાં છે. આ ફિલ્મ ગેંગસ્ટર ડ્રામા હશે, જે લેખક-પત્રકાર એસ. હુસૈન ઝૈદીએ લખેલા પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત હશે.

ઈરફાન જોકે હાલ ગંભીર બીમારીની સારવાર હેઠળ છે. એમને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યૂમર થઈ છે અને તે હાલ લંડનમાં સારવાર હેઠળ છે. એ દિવાળી દરમિયાન કે ત્યારબાદ ભારત પાછા ફરે એવી ધારણા છે. એમની બે ફિલ્મ – ‘બ્લેકમેલ’ અને ‘કારવાં’ એની ગેરહાજરીમાં રિલીઝ થઈ ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]