મુંબઈઃ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ‘ઈન્ડિયા’નો ઉલ્લેખ દેશના બંધારણમાંથી દૂર કરવા વિચારે છે અને દેશનું સત્તાવાર નામ ‘ભારત’ કરવા માગે છે એવા અહેવાલો અને અટકળોને પગલે આજે દેશભરમાં જબરદસ્ત ઉત્સાહ, જુસ્સાનું મોજું ફરી વળ્યું છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પોતાના પ્રત્યાઘાત આપવાનું ચૂક્યા નથી. એમણે સોશિયલ નેટવર્કિંગ સર્વિસીસ X અને ફેસબુક પર પોતાના હેન્ડલ પર પોસ્ટ મૂકીને લખ્યું છેઃ ‘ભારત માતા કી જય’ અને દેશના નામકરણ માટે પોતાનો ટેકો પ્રદર્શિત કર્યો છે. એમણે હિન્દીમાં”भारत माता की जय” લખ્યું છે અને તેની સાથે ભારતીય તિરંગાનું ઈમોટીકોન પણ દર્શાવ્યું છે.
બિગ બીની આ પોસ્ટ બાદ તરત જ નેટયૂઝર્સે એમની ખૂબ જ સરાહના કરી છે. તો કેટલાકે એમની ટીકા કરી છે. કોઈકે લખ્યું છે કે આ તો ‘પેઈડ ટ્વીટ’ છે તો કોઈકે એમને રાજકીય અભિપ્રાય માટે ‘કરોડરજ્જૂ વિનાના’ કહ્યા છે.
T 4759 – 🇮🇳 भारत माता की जय 🚩
— Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023
એવું મનાય છે કે કેન્દ્ર સરકાર દેશના બંધારણમાંથી ‘ઈન્ડિયા’ શબ્દને દૂર કરાવવા સંબંધિત ખરડા સંસદના આગામી વિશેષ સત્રમાં રજૂ કરશે. આ સત્ર આવતી 18-22 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યું છે.
અમિતાભ હાલ ‘કૌન બનેગા કરોડપતિ’ ટીવી ગેમ-શોની નવી મોસમના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ મોરચે, તેઓ ‘કલ્કી 2898 AD’ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણ સાથે અભિનય કરતા જોવા મળશે. આ ઉપરાંત તેઓ હોલીવુડની ‘ધ ઈન્ટર્ન’ ફિલ્મની હિન્દી રીમેક ‘સેક્શન 84’ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. એમાં દીપિકા પદુકોણ અને ડાયના પેન્ટી પણ છે.