નવી દિલ્હી: અમિતાભ બચ્ચને 8 મેના દિવસે ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરીને વિશ્વના તમામ લોકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક વીડિયોમાં કહ્યું હતું કે આ વિશેષ દિવસ છે અને આમ એક હજાર વર્ષમાં એકવાર થાય છે.
અમિતાભ બચ્ચને પોસ્ટ કરીને કહ્યું હતું, તમામને જન્મદિવસની શુભેચ્છા…વિશેષ દિવસ… આવું 1000 વર્ષમાં એકવાર થાય છે. તમારી ઉંમર + તમારા જન્મનું વર્ષ, જવાબમાં દરેક વ્યક્તિને વર્ષ 2020 આવશે. તેમના મતે, જે-તે વ્યક્તિ પોતાની ઉંમર તથા જે વર્ષમાં જન્મ થયો તે વર્ષનો સરવાળો કરે તો જવાબ વર્ષ 2020 આવશે. તેમણે ગણિતનાં નિયમનો ઉપયોગ કરીને આ હળવાશ ભર્યો વીડિયો શેર કર્યો હતો.
અમિતાભનું આ ટ્વીટને લઈને ટ્રોલર્સના નિશાના પર આવી ગયા અને લોકોએ અમિતાભને અપીલ કરી કે તે તેમના મોબાઈલમાંથી વોટ્સએપ ડિલિટ કરી દે. છેલ્લા થોડા સમયથી અમિતાભ ફેસબુક અને ટ્વિટર પર અજીબોગરીબ પોસ્ક કરતા જોવા મળ્યા છે. તેમના લોજીકને જોઈને અનેક લોકો એવુ માને છે કે, અમિતાભ બચ્ચન વોટ્સએપ પરથી મેળવેલા જ્ઞાનને જ સાચુ માનીને ટ્વિટર પર તેમના ચાહકો સાથે શેર કરે છે.
કોઈ પણ વર્ષમાં આ વાત શક્ય છે
અમિતાભ બચ્ચને જે વાત કરી હતી, આવું માત્ર 1000 વર્ષમાં જ થાય છે એવું નથી. તમારી ઉંમર અને તમારા જન્મ વર્ષનો સરવાળો કરવામાં આવે તો જે વર્ષ ચાલતું હોય તે જ આવે છે. આ તો દર વર્ષની વાત છે.
અમિતાભ ટ્વીટના જવાબમાં એક યુઝરે લખ્યું કે, જો 11 મુલ્કોની પોલીસે આ કામ કરી લીધુ હોત તો આજે આ દિવસ ન જોવો પડત. તો અન્ય એક યુઝરે લખ્યું કે, તમારે આના માટે 1000 વર્ષ રાહ જોવાની જરૂર નથી તમે આ ગણતરી દર વર્ષે કરી શકો છો. પ્લીઝ તમે 2019માં પરત જાઓ અને ગણતરી કરીને જુઓ.