મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે કહ્યું છે કે એણે તાજેતરમાં જેની સાથે કરાર કર્યો હતો તે તમાકુ ઉત્પાદક કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી રાજીનામું આપી દીધું છે. અક્ષયે ગઈ કાલે મધરાતે એના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આની જાહેરાત કરી હતી.
અજય દેવગન અને શાહરૂખ ખાન, બોલીવુડના અન્ય અભિનેતાઓ છે જેઓ આ કંપનીની પ્રોડક્ટ્સનો પ્રચાર કરે છે. આ કંપની તમાકુ અને બિન-તમાકુ ચીજવસ્તુઓ વેચે છે. અક્ષયે આ કંપની સાથે કરાર કર્યો હોવાના સમાચાર જ્યારે વહેતા થયા હતા ત્યારે એના ચાહકોને તે ગમ્યું નહોતું. હવે એણે ઈન્સ્ટાગ્રામ પર એક નોંધમાં ચાહકોની માફી માગી છે અને લખ્યું છે કે, ‘આઈ એમ સોરી. હું મારા તમામ પ્રશંસકો અને શુભચિંતકોની માફી માગું છું. છેલ્લા અમુક દિવસોમાં તમે દર્શાવેલા પ્રત્યાઘાત મારા દિલને સ્પર્શી ગયા છે. મેં ક્યારેય તમાકુનો પ્રચાર કર્યો નથી અને કરીશ પણ નહીં. વિમલ ઈલાઈચી સાથે મારા સહયોગના સંદર્ભમાં આપ સહુએ જે લાગણી વ્યક્ત કરી છે એનો હું આદર કરું છું. પૂરી વિનમ્રતા સાથે હું એ પદેથી રાજીનામું આપું છું. મેં નક્કી કર્યું છે કે મને પ્રચાર કરવા માટે જે ફી મળી છે એ તેને હું કોઈક સારા કાર્ય માટે દાનમાં આપી દઈશ. કોન્ટ્રાક્ટની કાયદેસર મુદત જ્યાં સુધી મને બંધનકર્તા રહેશે ત્યાં સુધી આ બ્રાન્ડની જાહેરખબરો પ્રસારિત થતી રહેશે, પરંતુ હું વચન આપું છું કે ભવિષ્યમાં પ્રચારની પસંદગી કરવામાં ધ્યાન રાખીશ.’