હિમા દાસ વિશે બાયોપિક ફિલ્મ બનાવવા ઈચ્છે છે અક્ષય કુમાર

મુંબઈ – અન્ડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પહેલી મહિલા એથ્લીટ હિમા દાસ વિશે બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર એક બાયોપિક ફિલ્મ બનાવવા ઈચ્છે છે.

અક્ષય કુમારનું કહેવું છે કે હિમા દાસે 20-વર્ષથી ઓછી વયની ખેલાડીઓની વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ સર્જ્યો એ નાની સૂની વાત નથી, કારણ કે હિમા ભારતના અંતરિયાળ વિસ્તારની રહેવાસી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેક હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતવો એ ખરેખર અસાધારણ બાબત છે.

હિમા દાસે ગયા મહિને ફિનલેન્ડમાં આયોજિત વર્લ્ડ અન્ડર-20 એથ્લેટિક્સ સ્પર્ધામાં મહિલાઓની 400 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર એ પહેલી ભારતીય બની છે.

અક્ષય કુમાર પોતે એક માર્શલ આર્ટ્સ એક્સપર્ટ છે અને પોતાની નવી ફિલ્મ ‘ગોલ્ડ’નું શૂટિંગ હાલમાં જ પૂરું કર્યું છે. ‘ગોલ્ડ’ ફિલ્મ પણ ભારતે આઝાદી મેળવ્યાના બીજ જ વર્ષે, 1948માં લંડનમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં હોકીની રમતમાં જીતેલા પ્રથમ ગોલ્ડ મેડલની સિદ્ધિ પર આધારિત છે.