મુંબઈઃ બોલીવૂડ એક્ટર અને નિર્માતા અજય દેવગનના ભાઈ અનિલ દેવગનનું અત્રે અવસાન થયું છે. એ 52 વર્ષના હતા અને એમને કેન્સર હતું.
અનિલ દેવગન ‘રાજુ ચાચા’ ફિલ્મના દિગ્દર્શક હતા, જેમાં અજય અને એની પત્ની કાજોલે ભૂમિકા ભજવી હતી.
ભાઈના નિધનના સમાચારની જાણ અજયે જ આજે ટ્વિટર મારફત કરી હતી.
એણે લખ્યું છે કે, ‘ગઈ કાલે રાતે મારા ભાઈ અનિલ દેવગનનું નિધન થયું હતું. એના અકાળે અવસાનથી અમારો પરિવાર ભાંગી પડ્યો છે. હું અને અમારી પ્રોડક્શન કંપની ADFF એમની ગેરહાજરીને ખૂબ જ મહેસુસ કરીશું. એમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરો.’
અજયે એમ પણ જણાવ્યું છે કે એનો પરિવાર કોરોના વાઈરસ રોગચાળાને કારણે દિવંગત ભાઈની યાદમાં કોઈ અંગત પ્રાર્થના સભાનું આયોજન નહીં કરે.
અનિલ દેવગને ‘જીત’ (1996), ‘જાન’ (1996), ‘ઈતિહાસ’ ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. એમણે 1998માં આવેલી ‘પ્યાર તો હોના હી થા’ ફિલ્મમાં અનિસ બઝ્મીને દિગ્દર્શનમાં સહાયતા કરી હતી. એવી જ રીતે, 1999માં, એમણે એમના પિતા વીરુ દેવગનને ‘હિન્દુસ્તાન કી કસમ’ ફિલ્મ બનાવવામાં સહાયતા કરી હતી.
રિશી કપૂર, અજય દેવગન અને કાજોલ અભિનીત ‘રાજુ ચાચા’ ફિલ્મ (2000) સાથે એમણે દિગ્દર્શનમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 2005માં એમણે ‘બ્લેકમેલ’ ફિલ્મ બનાવી હતી, જેમાં અજય દેવગન અને પ્રિયંકા ચોપરાની જોડી હતી. અનિલ દેવગને છેલ્લે 2008માં, ‘હાલ-એ-દિલ’ બનાવી હતી, જેમાં અમિતા પાઠક અને નકુલ નેહતા કલાકારો હતા.
અનિલ દેવગને 2012માં રિલીઝ થયેલી ‘સન ઓફ સરદાર’ ફિલ્મમાં ક્રીએટિવ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.
