મુંબઈ – જાણીતા બોલીવૂડ દિગ્દર્શક-નિર્માતા સંજય લીલા ભણસાલીએ 2021ની દિવાળી પર પોતાની નવી ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. એ ફિલ્મનું નામ તેમણે ‘બૈજૂ બાવરા’ રાખ્યું છે. એ ફિલ્મમાં બદલાની વાર્તા હશે.
ભણસાલીની ફિલ્મ નિર્માણ કંપની ‘ભણસાલી પ્રોડક્શન્સ’ના ટ્વિટર હેન્ડલ પર નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.
જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ભણસાલીના ટ્વીટની જાણ કરતા સમાચાર પોતાના ટ્વિટર હેન્ડલ પર આપ્યા હતા. એમણે લખ્યું છે કે, ‘બ્રેકિંગ ન્યૂઝઃ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મને 2020ની 11 સપ્ટેંબરે રિલીઝ કર્યા બાદ સંજય લીલા ભણસાલી એમની ખૂબ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ બનાવવાના છે, જેનું ટાઈટલ છે ‘બૈજૂ બાવરા’… તે એક મહાન ગાયક દ્વારા વેરની વસુલાતની વાર્તા હશે અને ફિલ્મ 2021ની દિવાળી પર રિલીઝ કરાશે.’
ઉલ્લેખનીય છે કે, 1952માં વિજય ભટ્ટના દિગ્દર્શનમાં ‘બૈજૂ બાવરા’ ફિલ્મ બની હતી. એમાં ભારત ભૂષણ અને મીના કુમારીની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મમાં સમ્રાટ અકબરના દરબારમાં બૈજુ અને તાનસેનના સુરીલા પ્રભુત્વને દર્શાવવામાં આવ્યું હતું. હવે ભણસાલી એ વાર્તાને કઈ રીતે દર્શકો સમક્ષ રજૂ કરશે એ તો સમય જ કહેશે.
ભણસાલીની ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં આલિયા ભટ્ટની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મમાં પણ આલિયાના હિરો વિશે હજી સસ્પેન્સ પ્રવર્તે છે. આ ફિલ્મ ભણસાલીની કંપની જયંતીલાલ ગડાની PEN ઈન્ડિયા લિમિટેડ સાથે મળીને બનાવી રહી છે. કહેવાય છે કે અજય દેવગનને સાઈન કરવાના પ્રયાસમાં ભણસાલી છે, પણ તેઓ અજયને ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં ચમકાવવા માગે છે કે નવી ફિલ્મમાં, તે હજી સ્પષ્ટ થયું નથી.
અગાઉ એવા સમાચાર હતા કે સલમાન ખાન અને ભણસાલી સાથે મળીને ‘ઈન્શાઅલ્લાહ’ બનાવશે, જેમાં સલમાન ખાન સાથે આલિયાને ચમકાવાશે, પરંતુ સલમાન અને ભણસાલી વચ્ચે મતભેદો થતાં એ ફિલ્મને અભેરાઈ પર ચડાવી દેવામાં આવી છે.
ભણસાલી એમની ‘બૈજૂ બાવરા’ ફિલ્મને દીપિકા પદુકોણ દ્વારા અભિનીત અને નિર્મિત ‘મહાભારત’ ફિલ્મની તારીખે જ રિલીઝ કરવાના છે. ‘મહાભારત’ને 2021ની દિવાળીમાં રિલીઝ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને એમાં દીપિકા દ્રૌપદીનો રોલ કરવાની છે.