ઝૂંપડપટ્ટીમાં રહેતી 15 વર્ષીય કિશોરી બની સ્ટાર? જાણો…

મુંબઈઃ નસીબનું પાંદડું હટતા વાર નથી લાગતી. આ વાત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં રહેતી 15 વર્ષીય એક કિશોરી પર ફિટ બેસે છે, જેને ક્યારે તેના વિસ્તારના લોકો નહોતા ઓળખતા, આજે હજારો-લાખો લોકો એના વિશે ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મિડિયા પર તેના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. આવો જાણીએ મલીશા ખારવા અને એની સફળતા વિશે…

મલીશા ખારવાના હંમેશાં મોટાં સપનાં રહ્યાં છે અને એ સાચાં થઈ રહ્યા છે, જ્યારે તે લક્ઝરી બ્યુટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેન્શિયલની નવી ઝુંબેશ ‘ધ યુવતી કલેક્શન’નો ચહેરો બની. ત્યાર બાદ તે સોશિયલ મિડિયા પર છવાઈ ગઈ. તેની સફળતાની વાર્તા પ્રોત્સાહક છે.

તેનું જીવન ત્યારે બદલાઈ ગયું, જ્યારે હોલીવૂડ એક્ટર રોબર્ટ હોફમેને તેને જોઈ. તે મલીશાને મળ્યો અને એનાં સપનાંઓ વિશે જાણ્યું, ત્યારે તે દંગ થઈ ગયો. તેણે મલીશાના સપનાઓને પૂરાં કરવા એક ફંડ રેઝિંગ પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું. ત્યાર બાદ મલીશાનું નસીબ ચમકી ગયું. આ પેજ ઝૂંપડપટ્ટીમાં તેના પડકારો પર પ્રકાશ ફેંકે છે, જેમાં ચોમાસામાં ભોજન, પાણી અને આશ્રયની અછત સામેલ છે.

મલીશાના આજે ઇન્સ્ટાગ્રામ પર 3.2 લાખ ફોલોઅર્સ છે. તે હંમેશાં પોતાની પોસ્ટમાં #princessfromtheslumનો ઉપયોગ કરે છે. તેણે ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે કે તે ઝૂંપડપટ્ટીમાં રહે છે, પણ મને જિંદગીથી પ્રેમ છે.હું મારા પરિવારને દૈનિક જરૂરિયાતોમાં મદદ કરું છું અને મારે એક સુપર મોડલ બનવું છે. જ્યારે લોકો તેને પૂછે છે કે ગરીબ હોવા છતાં તે આટલી ખુશ કેવી રીતે રહે છે. તેણે ‘લીવ યોર ફેરીટેલ’ નામની એક લઘુ ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.