મુંબઈઃ 1991માં આવેલી માધુરી દીક્ષિત અભિનીત ‘સાજન’ ફિલ્મને આજે 29 વર્ષ થઈ ગયા. ફિલ્મની રિલીઝની યાદમાં માધુરીએ તે ફિલ્મમાં એનાં સહ-કલાકારો – સલમાન ખાન અને સંજય દત્ત સાથેની એક જૂની તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી છે.
એ સાથે એણે આ હેશટેગ મૂક્યું છે – #29YearsOfSaajan.
માધુરીએ એ પણ જણાવ્યું છે કે પોતે કયા કારણસર આ ફિલ્મ સાઈન કરી હતી.
એણે પોતાની પોસ્ટમાં લખ્યું છેઃ ‘આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મેં તરત જ એમાં કામ કરવાની હા પાડી દીધી હતી. વાર્તા રોમેન્ટિક હતી, સંવાદો કાવ્યમય હતા અને સંગીત ઉત્કૃષ્ટ હતું.’
ફિલ્મમાં સંજય દત્તે એક અનાથ યુવકનો રોલ કર્યો છે, જેને નાનપણમાં મિત્રતા થાય છે સલમાન ખાન સાથે, જે ખૂબ શ્રીમંત હતો. બંને જણ મોટા થાય છે ત્યારે સંજય દત્ત સાગર નામે જાણીતો કવિ-શાયર બને છે. માધુરી એનાં ચાહકોમાંની એક હોય છે. શાયર પ્રત્યે માધુરીની લાગણી અને સલમાનનું ફ્રેમમાં આવતાં, પ્રણયત્રિકોણ સર્જાય છે.
લૌરેન્સ ડિસોઝા દિગ્દર્શિત ‘સાજન’ 1991માં બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ‘દેખા હૈ પેહલી બાર સાજન કી આંખો મેં પ્યાર’, ‘તુમ સે મિલને કી તમન્ના હૈ’, ‘બહોત પ્યાર કરતે હૈં તુમકો સનમ’, ‘તુ શાયર હૈ મૈં તેરી શાયરી’, ‘જીયે તો જીયે કૈસે’ જેવા ગીતોએ દર્શકોનાં મન અને દિલ ડોલાવી દીધા હતા.
માધુરી દીક્ષિત ટૂંક સમયમાં જ નેટફ્લિક્સની આગામી સિરીઝમાં જોવા મળશે. આ સાથે જ એ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. એ સિરીઝનું નિર્માણ કરણ જોહર કરશે.