તિરુપતિમાં ‘આદિપુરુષ’ના ટ્રેલર લોન્ચ પાછળ અઢી કરોડનો ખર્ચ કર્યો; રૂ.50 લાખના ફટાકડા ફોડ્યા

હૈદરાબાદઃ હિન્દી અને તેલુગુ ભાષામાં બનેલી આગામી ફિલ્મ ‘આદિપુરુષ’નું આખરી ટ્રેલર હાલમાં જ સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ તિરુપતિના શ્રી વેંકટેશ્વર યૂનિવર્સિટી સ્ટેડિયમ ખાતે મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના કલાકારો-કસબીઓ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યાં હતાં. અહેવાલ મુજબ, નિર્માતાઓએ આ કાર્યક્રમ પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવ્યો હતો.

‘આદિપુરુષ’ની ટીમે એકલા ફટાકડા ફોડવા પાછળ રૂપિયા 50 લાખનો ખર્ચ કર્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળનો કુલ ખર્ચ થયો હતો આશરે અઢી કરોડ રૂપિયા.

ટ્રેલર બે મિનિટ અને 24 સેકંડનું છે. ફિલ્મમાં પ્રભાસે ભગવાન રામ, કૃતિ સેનને જાનકી (સીતામૈયા) અને સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે.

ભારતીય મહાકાવ્ય રામાયણની પૌરાણિક વાર્તા પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ આવતી 16 જૂને દુનિયાભરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે જ્યારે ટી-સીરિઝ, ભૂષણકુમાર અને  ક્રિશનકુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર, રીટ્રોફાઈલ્સના રાજેશ નાયર, યૂવી ક્રીએશન્સના પ્રમોદ અને વામસી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન, સની સિંહ (લક્ષ્મણ), દેવદત્ત નાગે (બજરંગ), વત્સલ સેઠ (ઈન્દ્રજિત) વગેરે કલાકારોએ ભૂમિકા ભજવી છે.