મુંબઈમાં ખૂલશે એલન મસ્કની ટેસ્લાનો પ્રથમ શોરૂમ

મુંબઈઃ ટેસ્લા ભારતમાં 15 જુલાઈ, 2025એ કંપનીનો પ્રથમ શોરૂમ મુંબઈમાં ખૂલશે. મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં સ્થાપિત થનારા આ નવા ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટરમાં અમેરિકન ઇલેક્ટ્રિક વાહન બ્રાન્ડનાં આગામી મોડેલ્સ પ્રદર્શન માટે રાખવામાં આવશે.

થોડા દિવસ પહેલાં એલન મસ્કના નેતૃત્વ હેઠળની આ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીને ક્ષેત્રીય પરિવહન કચેરી (RTO) તરફથી તેમનાં વાહનોનું પ્રદર્શન કરવાની, ટેસ્ટ ડ્રાઈવ ઓફર કરવાની અને વેચાણ શરૂ કરવાની ઔપચારિક મંજૂરી મળી છે. RTO અધિકારીઓ અનુસાર અંધેરી RTOએ આ વૈશ્વિક EV કંપનીને સત્તાવાર રીતે એક ‘ટ્રેડ સર્ટિફિકેટ’ આપ્યું છે.

ટેસ્લાને મળેલું ટ્રેડ સર્ટિફિકેટ શું છે?
ટેસ્લાને આપેલું ટ્રેડ સર્ટિફિકેટ કેન્દ્રીય મોટર વાહન નિયમોની કલમ 35 હેઠળ આપવામાં આવ્યું છે. આ નિયમો હેઠળ નિર્ધારિત શરતો મુજબ રજિસ્ટ્રેશન વગરનાં વાહનોને જાહેર રસ્તાઓ પર કાયદેસર રીતે ચલાવવાની મંજૂરી મળે છે. પાંચ વર્ષ માટે માન્ય હોય તેવું આ ટ્રેડ સર્ટિફિકેટ વાહનોના ડિસ્પ્લે, ડિલિવરી અને વર્કશોપ ઉપયોગ માટે અધિકૃત બનાવે છે.

ટેસ્લાના શોરૂમમાં કયા વાહનો હશે ડિસ્પ્લે પર?

ટેસ્લા મોડેલ Y
મોડેલ Y ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થનાર ટેસ્લાની પ્રથમ કાર હશે. આ ઇલેક્ટ્રિક ક્રોસઓવર માટે પેટન્ટ અને ટ્રેડમાર્ક પહેલેથી જ દેશમાં નોંધાયાં છે. આ ઉપરાંત મોડેલ Y ને છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન અનેક વાર જોવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે મોડેલ Yના બે મુખ્ય વેરિયન્ટ છે – લોન્ગ રેન્જ રિયર-વ્હીલ ડ્રાઈવ (RWD) અને લોન્ગ રેન્જ ઓલ-વ્હીલ ડ્રાઈવ (AWD).

મોડેલ Y પછી ટેસ્લાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર મોડેલ ત્રણ લાવવામાં આવશે એવી અપેક્ષા છે. આશા છે કે કાલના ઉદઘાન પ્રસંગે ટેસ્લા મુંબઈ શોરૂમમાં મોડેલ ત્રણનું એક ડિસ્પ્લે યુનિટ મૂકે. જોકે તેની વેચાણ પ્રક્રિયા વર્ષના અંતમાં શરૂ થવાની સંભાવના છે.