એલન મસ્કની અમેરિકી વહીવટી તંત્રમાંથી થશે વિદાયઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ અને દિગ્ગજ બિઝનેસમેન એલન મસ્ક ટૂંક સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી બહાર થયા એવી શક્યતા છે, એટલે કે તેઓ DOGEથી અલગ થઈ શકે છે. એવો ઇશારો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. તેમણે મંત્રી મંડળના સભ્યો અને નજીકના લોકોને કહ્યું હતું કે મસ્ક ટૂંક સમયમાં તેમની ભૂમિકામાંથી પાછળ હટી જશે.

ટ્રમ્પે જાહેરમાં કહ્યું હતું કે તેમને એક મોટી કંપની ચલાવવાની છે, એટલે તેમણે કોઈ પણ સમયે પરત ફરવું પડશે. વળી, તેઓ પણ પરત ફરવા ઇચ્છે છે.

બીજી બાજુ, મસ્કે પણ હવે ટ્રમ્પથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) નું મહત્વપૂર્ણ પદ છોડવામાં ઇચ્છા વ્યક્ત કરી છે. એલન મસ્કના આ પગલાથી અમેરિકામાં હોબાળો મચી ગયો છે.

વાસ્તવમાં મસ્કની નીતિઓ વિરુદ્ધ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. લોકો કહે છે કે મસ્કની નીતિઓને કારણે ઘણી એજન્સીઓ બંધ થઈ ગઈ છે, જેને પરિણામે લાખો લોકોની નોકરીઓ ગઈ છે. એલન મસ્કે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે તેઓ યુએસ ખાધને $ 1 ટ્રિલિયન ઘટાડવાના પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યા છે. જોકે ટ્રમ્પ દ્વારા એલન મસ્કને DOGEના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અમેરિકામાં સરકારી ખર્ચ ઘટાડવા માટે તેમને ‘ખાસ સરકારી કર્મચારી’ તરીકે 130 દિવસ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અગાઉ ટેસ્લાના માલિક એલન મસ્ક અને કેટલાક ટોચના DOGE અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ અમેરિકા પરનો બિનજરૂરી નાણાકીય બોજ ઘટાડી રહ્યા છે અને તેમના લક્ષ્યની નજીક પહોંચી રહ્યા છે.