શિંદેએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યુ, CM પદ પર સસ્પેન્સ યથાવત

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈના રાજભવનમાં રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને સીએમ પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને NCPનું બનેલું મહાયુતિ ગઠબંધન વિજયી બન્યું છે.રાજ્યના આગામી સીએમ કોણ હશે તેની આજે જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થઈ ગયું છે. 1 મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં મહાયુતિના ભાગીદાર પક્ષોમાં દરેક 6-7 ધારાસભ્યો માટે એક મંત્રીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. એવી પણ અટકળો છે કે સીએમ એકનાથ શિંદે અન્ય કોઈને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. તેઓ પોતે આ પદ સંભાળશે નહીં.