નવી દિલ્હી: વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, EDની નજર હવે તેમના પર છે. રાહુલે તે પાછળનું કારણ જણાવતા કહ્યું કે, આવું એટલા માટે થશે કારણ કે બે લોકોને મારું ભાષણ પસંદ નથી આવ્યું. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, સંસદમાં આપેલા ચક્રવ્યુહવાળું ભાષણ અમુક લોકોને પસંદ આવ્યું નથી. જેને લઇને હવે ઇડીની નજર મારા પર છે. EDના એક આંતરિક સૂત્રએ મને જણાવ્યું છે કે, આ કારણોસર દરોડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાહુલે EDને ટેગ કરીને લખ્યું કે, ‘મારા તરફથી ચા અને બિસ્કિટ, તમારું હાર્દિક સ્વાગત છે.’
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024
બજેટ પરના ભાષણમાં રાહુલે મહાભારતનો ઉલ્લેખ કરતા ચક્રવ્યુહની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે સમયે અભિમન્યુ ચક્રવ્યૂહમાં 6 લોકોની વચ્ચે ફસાઈ ગયો હતો. એ જ રીતે, 21મી સદીમાં પણ ભારત વિરુદ્ધ આવું જ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના ખેડૂતોને ફસાવવામાં આવી રહ્યા છે.વધુમાં કહ્યું કે, આ ચક્રવ્યુહ પણ 6 લોકો દ્વારા નિયંત્રિત છે જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, અજીત ડોભાલ, મોહન ભાગવત, અદાણી અને અંબાણીનો સમાવેશ થાય છે. જ્યારે મેં વધુ અભ્યાસ કર્યો ત્યારે મને ખબર પડી કે ચક્રવ્યૂહને પદ્મવ્યુહ પણ કહેવામાં આવે છે જેનો અર્થ કમળ જેવી રચના થાય છે. જે ભાજપ પક્ષનું મુખ્ય ચિહ્ન છે, જેને વડાપ્રધાન પોતાની સાથે લઈને ચાલે છે. આ પ્રકારની ટિપ્પણી રાહુલ ગાંધીએ બજેટ પરના પોતાના ભાષણમાં કરી હતી.