બે મતદાર કાર્ડ મામલે ECએ તેજસ્વી યાદવને ફટકારી નોટિસ

પટનાઃ વોટર લિસ્ટ વિવાદમાં તેજસ્વી યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમની સામે પટનાના દીઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવ પાસે બે એપિક (EPIC) નંબર છે, જે નિયમોનું ઉલ્લંઘન છે. આ અરજી દીઘા વિસ્તારમાં રહેતા વકીલ રાજીવ રંજને કરી છે. તેજસ્વી યાદવ દીઘા વિધાનસભા ક્ષેત્રના મતદાતા છે. પોલીસને માગ કરવામાં આવી છે કે તેમણે આ નિયમભંગ માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. ચૂંટણી પંચે પણ તેજસ્વી યાદવને નોટિસ આપી છે અને જવાબ માગ્યો છે. પટના પોલીસનું કહેવું છે કે મળેલી ફરિયાદને આધારે તપાસ ચાલી રહી છે.

તેજસ્વી યાદવના સમર્થનમાં પપ્પુ યાદવ

સાંસદ પપ્પુ યાદવ પણ તેજસ્વી યાદવના સમર્થનમાં આવી ગયા છે. તેજસ્વી યાદવના વિરોધી ગણાતા પપ્પુ યાદવે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી નોટિસને મામલે તેમનો બચાવ કર્યો છે. પપ્પુ યાદવે કહ્યું હતું કે ચૂંટણી પંચ કોણ છે? શું ચૂંટણી કમિશન ભાજપના પ્રવક્તા છે? ભાજપના પ્રવક્તાઓ જે કહે છે તે પ્રમાણે ચૂંટણી પંચ નોટિસ મોકલી દે છે. પહેલાં ચૂંટણી પંચે આ જણાવવું જોઈએ કે કેટલાય લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા છે.

ચૂંટણી પંચ પર આરોપો

તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી પંચ શું અલાઉદ્દીનનો ચિરાગ છે કે જે કંઈ પણ કહેશે એ સાચું થઈ જશે? ભાજપ અને નરેન્દ્ર મોદીએ દેશમાં ભારે કન્ફ્યુઝન ફેલાવ્યું છે. આવી નોટિસ મોકલવી ખોટી વાત છે. ક્યારેક માણસના મુખમાંથી કંઈક ઊલટસૂલટ નીકળી જાય છે.

પપ્પુ યાદવે જણાવ્યું કે રાહુલ ગાંધી બિહારમાં તેજસ્વી યાદવ સાથે યાત્રા કરશે. અમે લોકો ગરીબોનો અવાજ બનીને રસ્તા પર ઊતરીશું. અનેક જગ્યાએ હું પણ રાહુલ ગાંધી સાથે રહીશ. ગરીબોનો અવાજ દબાવવા નહિ દઈએ. ગરીબોને મતથી વંચિત નહીં થવા દઈએ અને રાહુલજી ગરીબોની અવાજ બનીને બિહારની સડકો પર ઊતરી રહ્યા છે.