ચાંગા: કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ચારુસેટ કેમ્પસની મુલાકાત લઈ “ચેન્જિંગ વર્લ્ડ: ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ” (“Changing World: Opportunities and Challenges” ) વિષય પર લેક્ચર આપ્યું હતું. વિદેશ મંત્રીએ ચારુસેટના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી પૂછાયેલા સવાલોના માહિતીસભર જવાબો આપ્યા હતા. ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રને આગળ લઈ જવા માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓ દેશભરમાં સ્થાપવામાં આવી છે. આવી સંસ્થાઓના સહયોગથી જ ભારત મહાન રાષ્ટ્ર બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.એસ. જયશંકરે જણાવ્યું હતું કે, “છેલ્લા દસ વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ભારત આજે આત્મવિશ્વાસ સાથે દુનિયાની સાથે કદમ મિલાવી પડકારોનો સામનો કરી નવી તકોના સર્જન થકી વડાપ્રધાનના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યું છે.”
વિદેશમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની વિઝનરી લીડરશીપને યાદ કરીને ભાવાજંલી અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશમાં વસતા ભારતીયો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્ર ભારત અને દુનિયા વચ્ચે સેતુ બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ડો. એસ. જયશંકર સાથે સમગ્ર ઇન્ટરએક્ટીવ સેશનનું સંચાલન ડો. વિજય ચૌથાઈવાલેએ કર્યું હતું.
શાશ્વત મહેન્દ્રુએ સવાલ પૂછ્યો હતો કે, ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે, જયારે વિવિધ કંપનીઓ આપણા દેશમાં રોકાણ કરી રહી છે, તો શું આનાથી બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત થાય છે કે કેમ તેમજ વિદ્યાર્થીઓ વિદેશ જાય છે તેનાથી શું ફેર પડી રહ્યો છે. ડો. જયશંકરે કહ્યું, “જેઓ વિદેશ જાય છે તેઓ સારી જવાબદારી અદા કરે છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. સાક્ષી શાહે ટેક્નોલોજી અને એન્ટરપ્રિન્યોરશીપ અને ઋષભ જોષીએ સસ્ટેનેબિલિટી ડેવલોપમેન્ટ ગોલ્સ વિશે પ્રશ્ન પૂછ્યો હતો.ચારૂસેટ કેમ્પસમાં ડો. એસ. જયશંકરનું સુરેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ કેમ્પસ મુલાકાત દરમિયાન વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. એસ. જયશંકરના હસ્તે CSPITમાં એમ. એસ. પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગમાં નવનિર્મિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
