ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ પર વસૂલશે ૩૫ ટકા ટેરિફ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી બાંગ્લાદેશની મુશ્કેલી વધી ગઈ છે. ટ્રમ્પે બાંગ્લાદેશથી આયાત થતાં ઉત્પાદનો પર ૩૫ ટકા શૂલ્ક લગાવવાની જાહેરાત કરી છે. એટલે કે હવે બાંગ્લાદેશથી અમેરિકા જતો માલ ૩૫ ટકા વધારે ભાવે મળશે, જેને કારણે તેની માગ ઘટશે. આની સીધી અસરથી બાંગ્લાદેશનું અર્થતંત્ર દબાણમાં આવી શકે છે. નિકાસ ઘટવાથી દેશમાં બેરોજગારી વધે એવી શક્યતા છે. પહેલેથી જ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી સ્થિતિ ખરાબ છે. ટ્રમ્પના આ પગલાંથી પરિસ્થિતિ વધુ બગડી શકે છે. બાંગ્લાદેશ માટે આમાંથી બહાર આવવું સરળ નહીં રહે.

આ ૧૪ દેશો પર વધારાયો શુલ્ક

ટ્રમ્પ વહીવટી તંત્રે  વિવિધ દેશોને પત્ર મોકલ્યા છે, જેમાં અમેરિકાએ તેમનાં ઉત્પાદનો પર લગાવનારા શૂલ્કનું વિગતવાર વર્ણન હતું. ટ્રમ્પ દ્વારા બાંગ્લાદેશ, બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના, કંબોડિયા, ઇન્ડોનેશિયા, જાપાન, કઝાકિસ્તાન, લાઓસ, મલેશિયા, સર્બિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ટ્યુનિશિયા જેવા દેશોને પત્ર મોકલવામાં આવ્યા છે.

કેવા દેશો પર કેટલો શુલ્ક?

  • લાઓસ: ૪૦ ટકા શુલ્ક
  • મ્યાનમાર: ૪૦ ટકા શુલ્ક
  • થાઇલેન્ડ: ૩૬ ટકા શુલ્ક
  • કંબોડિયા: ૩૬ ટકા શુલ્ક
  • બાંગ્લાદેશ: ૩૫ ટકા શુલ્ક
  • સર્બિયા: ૩૫ ટકા શુલ્ક
  • ઇન્ડોનેશિયા: ૩૨ ટકા શુલ્ક
  • દક્ષિણ આફ્રિકા: ૩૦ ટકા શુલ્ક
  • બોસ્નિયા અને હર્ઝેગોવિના: ૩૦ ટકા શુલ્ક
  • મલેશિયા: ૨૫ ટકા શૂલ્ક
  • ટ્યુનિશિયા: ૨૫ ટકા શૂલ્ક
  • જાપાન: ૨૫ ટકા શૂલ્ક
  • દક્ષિણ કોરિયા: ૨૫ ટકા શૂલ્ક
  • કઝાકિસ્તાન: ૨૫ ટકા શૂલ્ક

મોહમ્મદ યુનુસને મોકલાયો પત્ર
ટ્રમ્પે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, ૧ ઓગસ્ટ ૨૦૨૫થી અમે બાંગ્લાદેશથી અમેરિકા જતાં તમામ ઉત્પાદનો પર ૩૫ ટકા શૂલ્ક વસૂલીશું, જે બધા પ્રાંતીય શૂલ્કથી અલગ રહેશે.