VIDEO: ભૂકંપની થોડીક ક્ષણો બાદ બેંગકોકના રસ્તા પર બાળકનો જન્મ

બેંગકોક: થાઇલેન્ડમાં આવેલા ભયંકર ભૂકંપ દરમિયાન બેંગકોકમાં ડોક્ટરોએ પોલીસ જનરલ હોસ્પિટલની બહાર રસ્તા પર એક બાળકનો જન્મ કરાવ્યો. શુક્રવારે ભૂકંપ આવ્યો ત્યારે મહિલા સર્જરી હેઠળ હતી અને ડોક્ટરોને હોસ્પિટલ ખાલી કરાવવાની ફરજ પડી હતી. હોસ્પિટલના પ્રવક્તા પોલીસ કર્નલ સિરિકુલ શ્રીસંગાએ જણાવ્યું હતું કે, તબીબી ટીમો દર્દીને હોસ્પિટલમાંથી બહાર કાઢી અને આરોગ્યસંભાળ કર્મચારીઓથી ઘેરાયેલી મહિલાએ હોસ્પિટલની બહાર રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો હતો.

આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં મહિલા સ્ટ્રેચર પર પડેલી જોવા મળી રહી હતી. જ્યારે હોસ્પિટલનો સ્ટાફ ખુલ્લી હવામાં તેની ડિલિવરી કરાવવામાં મદદ કરી રહ્યો હતો. ફૂટેજમાં, હોસ્પિટલના અન્ય દર્દીઓના અસંખ્ય સ્ટ્રેચર પણ આંગણામાં ખસેડાયેલા જોઈ શકાય છે. ડોક્ટરે જણાવ્યું છે કે માતા અને બાળક હવે સ્થિર સ્થિતિમાં છે અને હોસ્પિટલના રૂમમાં સ્વસ્થ છે.