બિહારમાં બચાવ કામગીરીમાં લાગેલું એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ

બિહારમાં પૂર વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. બુધવારે બચાવ કાર્યમાં લાગેલું એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માત મુઝફ્ફરપુર જિલ્લાના ઔરાઈ નયા ગામમાં વોર્ડ નંબર-13માં થયો હતો. જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે સીતામઢી જિલ્લામાંથી રાહત સામગ્રીનું વિતરણ કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ઔરાઈ નયા ગામમાં તેને અકસ્માત નડ્યો હતો. દુર્ઘટના સમયે, હેલિકોપ્ટરમાં બે પાઇલટ અને અન્ય ત્રણ એરફોર્સના કર્મચારીઓ હતા, તે બધા જ બચી ગયા હતા.

હાલમાં બિહાર પૂરની ઝપેટમાં છે. બધે માત્ર પાણી જ દેખાય છે. લગભગ 16 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. લોકોને પૂરના પાણીમાંથી બચાવવા અને રાહત સામગ્રીનું વિતરણ કરવા પોલીસ, NDRF, SDRFની સાથે એરફોર્સની મદદ લેવામાં આવી છે. એરફોર્સના હેલિકોપ્ટર બિહારના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને ખાદ્યપદાર્થો વહેંચી રહ્યા છે.

રાહત સામગ્રીનું વિતરણ કરીને પરત ફરી રહ્યા હતા

બુધવારે એરફોર્સનું એક હેલિકોપ્ટર સીતામઢી જિલ્લામાં રાહત સામગ્રીનું વિતરણ કરીને પરત ફરી રહ્યું હતું, ત્યારે તેમાં કંઈક ખોટું થયું હતું. બધે પાણી હોવાથી બંને પાઇલોટે તેને પાણીમાં ઉતારવાનું નક્કી કર્યું. પાયલોટે મુઝફ્ફરપુર જિલ્લાના ઔરાઈ બ્લોકમાં ઘનશ્યામપુર પંચાયતના બેસી બજાર પાસે પૂરના પાણીમાં હેલિકોપ્ટરને લેન્ડ કર્યું હતું.

ગ્રામજનોએ જવાનોનો જીવ બચાવ્યો હતો

પહેલા સ્થાનિક લોકોએ હેલિકોપ્ટરને પાણીમાં પડતું જોયું, ત્યારબાદ ગ્રામીણો ત્યાં દોડી આવ્યા. ગામલોકો હેલિકોપ્ટરની નજીક પહોંચ્યા, ત્યારબાદ તેમાં હાજર બે પાયલટ અને ત્રણ સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા. સૈનિકોને ઉતાવળે સલામત સ્થળે લાવવામાં આવ્યા અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હેલિકોપ્ટરની આસપાસના ગામલોકોને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.