અણબનાવઃ CM ફડણવીસ, શિંદે એકસાથે મંચ શેર નથી કરતા

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં CM દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી CM એકનાથ શિંદે વચ્ચે ઠીક નથી ચાલતું. ડેપ્યુટી CM એકનાથ શિંદે, CM દેવેન્‍દ્ર ફડણવીસ એકસાથે મંચ શેર કરવાનું ટાળી રહ્યા છે. તાજેતરમાં અનેક સરકારી કાર્યક્રમો અને કેબિનેટ મિટિંગ્સમાં શિંદે નજરે પડ્યા નથી, એમ સૂત્રોએ કહ્યું હતું.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શિંદેનું આ વલણ શિવસેના અને પ્રશાસનમાં અલગ પ્રકારનો સંદેશ આપી રહ્યું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે શિવસેના સ્થાનિક ચૂંટણીની તૈયારી કરી રહી છે. ફડણવીસ અને શિંદેને પુણેમાં ડબલ બ્રિજનું ઉદઘાટન કરવાનું હતું, પરંતુ શિંદે હાજર રહ્યા નહોતા. છત્રપતિ સંભાજીનગરમાં બંનેને મરાઠાવાડા માટેના પીવાના પાણીના પ્રોજેક્ટનો શુભારંભ કરવો હતો. ત્યાં પણ શિંદે ગાયબ રહ્યા હતા.તાજેતરમાં મુંબઈમાં શિવસેનાનો રક્ષાબંધન કાર્યક્રમ હતો. ત્યાં પણ શિંદે હાજર રહ્યા નહોતા. શિવસેનાના નેતા અને કાર્યકર્તાઓ નિરાશ થયા હતા, કારણ કે આ પાર્ટીનો મોટો કાર્યક્રમ હતો.

રાજ્ય પ્રશાસન માટે કેબિનેટ મિટિંગ્સ ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ શિંદે સતત બે મિટિંગમાંથી ગેરહાજર રહ્યા. ગયા અઠવાડિયે કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટે CM એ મિટિંગ બોલાવી હતી. શિંદે આવ્યા નહોતા.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે શિંદેની ઓફિસ તરફથી અત્યાર સુધી કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી કે તેઓ એવા કાર્યક્રમો કેમ હાજર નથી રહ્યા, જેમાં ફડણવીસની હાજરી નક્કી હતી.