અમદાવાદ: અષાઢ માસ આવે એટલે વ્રત, ઉપવાસ, ઉત્સવ, આરાધના અને અનુષ્ઠાનના દિવસોની શરૂઆત થઈ જાય.ભગવાન કૃષ્ણના સ્વરૂપને અષાઢ વદથી શ્રાવણ વદ સતત એક મહિનો હિંડોળે ઝુલાવવાનો ઉત્સવ મંદિરોમાં ઉજવાય છે.
શ્રધ્ધાળુઓ ઠાકોરજી માટે કલાત્મક ઝુલો લાવી શણગારી ઘરે પણ હિંડોળાનો ઉત્સવ ઉજવે છે.
સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોરમાં પણ ભવ્ય રીતે હિંડોળાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
ડાકોર સહિત મોટાભાગના મંદિરોમાં સાંજના શણગાર પછી હિંડોળા દર્શન શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે.
મંદિરો અને તીર્થ સ્થાનોમાં ફૂલો, શાકભાજી, મીનાકારી, લીલોતરી, લીલો મેવો, સુકો મેવો, કમળનો, મોતીનો, પવિત્રા, ડોલરનો, કાચનો એમ વિવિધ પ્રકારની સજાવટ સાથે ઠાકોરજીને હિંડોળે ઝુલાવે છે.
ખાસ કરીને વૈષ્ણવ મંદિરો, હવેલીઓમાં, ગામ શહેરના મોટા મંદિરોમાં હિંડોળાનું આયોજન થાય છે. જ્યાં ભગવાનને ઝુલાવવા અને દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
