PGVCL કચેરી સામે વિદ્યુત સહાયકની ભરતી મુદ્દે આંદોલન કરનાર યુવાનોની અટકાયત

રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના હેડ ક્વાટર ખાતે છેલ્લા પાંચ દિવસથી રાત – દિવસ ધરણા કરી વિદ્યુત સહાયકની ભરતી વેઈટિંગ લીસ્ટ મુજબ કરવાની માગણી સાથે આંદોલન કરી રહેલા 300 થી વધુ યુવાનોનું આંદોલન ઉગ્ર બને તે પહેલા આજે બપોરે પોલીસે આ યુવાનોની અટકાયત કરી લીધી છે .

વિદ્યુત સહાયકની ખાલી પડેલી જગ્યાઓ માટે ગત જાન્યુઆરી 2023 માં ભરતી કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ માર્કસ સાથે પાસ થયા તેનું વેઇટિંગ લીસ્ટ બનાવવામાં આવ્યું હતું જેની મુદત તા. 15 ફેબ્રુઆરી 2024 ના રોજ પૂરી થાય છે. બીજી તરફ આરટીઆઇમાં એવી માહિતી બહાર આવી છે કે PGVCL ના 46 માંથી 10 ડિવિઝન માં જ વિદ્યુત સહાયકની 360 થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. આ ભરતી અગાઉ લેવાયેલી પરીક્ષા મુજબ જે વેઈટિંગ લીસ્ટ બન્યું છે તે મુજબ કરવામાં આવે. આ માગણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ એ સતાધીશોને આવેદન પત્ર આપ્યું હતું. દરમિયાન આ મુદ્દે પાંચ દિવસથી કચેરીની બહાર રાત – દિવસ આંદોલન ધરણા કરવામાં આવી રહ્યા હતા.

 

300 થી વધુ યુવાનો કચેરી બહાર ઠંડીમાં રહ્યા. યુવાનોના આ આંદોલનને આજે કોંગ્રેસે સમર્થન આપ્યું અને કેટ આંદોલન કરી રહેલા યુવાનોને સમર્થન આપવા આવ્યા હતા.

આમ વિપક્ષ આ PGVCL સામેના આંદોલન ને ઉગ્ર બનાવે તે પહેલાં પોલીસે આજે બપોર બાદ ધરણા કરી રહેલા યુવાનોની અટકાયત કરી હતી. દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાન અને મહામંત્રી મહેશ રાજપૂતે પોલીસના આ પગલાને શાંતિ પૂર્વક આંદોલન ને બળ પ્રયોગથી કચડી નાખવા સમાન ગણાવ્યું હતું.

(તસવીરો: નિશુ કાચા)