દિલ્હી રમખાણોનો કેસઃ તમામ આરોપીઓની જામીન અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ હાઈકોર્ટે મંગળવારે 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો સાથે જોડાયેલા લાર્જર કોન્સ્પિરસી (મોટું કાવતરા) મામલામાં આરોપી કાર્યકર ઉમર ખાલિદ, શરજિલ ઇમામ અને અન્યને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અન્ય સાત આરોપીઓ—ગુલફિશા ફાતિમા, યુનાઇટેડ અગેન્સ્ટ હેટ (UAH)ના સ્થાપક ખાલિદ સૈફી, અતર ખાન, મહંમદ સલીમ, શિફા-ઉર-રહમાન, મીરાન હૈદર અને શદાબ અહમદ—ની જામીન અરજીઓ પણ ફગાવી દીધી હતી.

જસ્ટિસ નવીન ચાવલા અને શાલિન્દર કૌરની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતાં કહ્યું હતું કે બધી અપીલો ફગાવી દેવામાં આવે છે. કોર્ટે આ અરજીઓ પર પોતાનો આદેશ નવ જુલાઈએ સુરક્ષિત રાખ્યો હતો. એ દરમ્યાન બીજી એક બેન્ચ જેમાં ન્યાયમૂર્તિ સુબ્રમોનિયમ પ્રસાદ અને હરીશ વૈદ્યનાથન શંકર સામેલ હતા, તેમણે સહ-આરોપી તસ્લીમ અહમદની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 23 ફેબ્રુઆરી 2020એ નાગરિકતા સુધારો કાયદો (CAA)ને લઈને હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે થયેલી અથડામણો ભીષણ રમખાણોમાં ફેરવાઈ હતી. આ તોફાનોમાં 53 લોકોનાં મોત થયાં હતાં અને સેકડો લોકો ઘાયલ થયા હતા.

આ મામલાના આરોપીઓએ નીચલી કોર્ટમાંથી જામીન અરજી ફગાવવામાં આવ્યા પછી દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમનું કહેવું હતું કે તેઓ પહેલેથી જ ચાર વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને ટ્રાયલની ધીમી ગતિને કારણે તેમને અનિશ્ચિત સમય સુધી જેલમાં રાખવા યોગ્ય નથી. તેમણે એ પણ દલીલ કરી હતી કે તેમને પણ એ જ આધાર પર જામીન મળવા જોઈએ જેમ કે સહ-આરોપી નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ ઇકબાલ તનહાને 2021માં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા.

બીજી તરફ દિલ્હી પોલીસ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ખાસ લોક અભિયોજક અમિત પ્રસાદે જામીનનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે 2020નાં રમખાણો અચાનક ભડક્યાં નહોતાં, પરંતુ આ એક સંગઠિત અને યોજનાબદ્ધ કાવતરું હતું.