દિલ્હીનાં CM રેખા ગુપ્તા પર હુમલો, એકની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીનાં CM રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન એક 30 વર્ષની વ્યક્તિએ હુમલો કર્યો હતો. તેમના પર પથ્થર ફેંકવામાં આવ્યો. દિલ્હી પોલીસે જણાવ્યું કે CM નિવાસે જનસુનાવણી દરમિયાન CM રેખા ગુપ્તા પર થયેલા હુમલાને મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો છે.

જુઓ, સૌપ્રથમ વાત તો એ છે કે આ બહુ જ ખોટું થયું. જનસુનાવણીમાં બધાનો હક છે. એક બહુરૂપિયો આજે તેમને થપ્પડ મારી શકે તો આ બહુ મોટી વાત છે. તે પોતાની કોઈ વાત કહી રહ્યા હતા અને વાત કહેતાં-કહેતાં તરત જ થપ્પડ મારી દીધી. જે બિલકુલ ખોટું છે, એમ એક સાક્ષીએ જણાવ્યું હતું.  હું ઉત્તમનગરથી ગટર અંગેની ફરિયાદ લઇ આવ્યો હતો. જ્યારે હું ગેટ પાસે પહોંચ્યો ત્યારે હંગામો મચી ગયો હતો, કારણ કે CMને થપ્પડ મારી દેવામાં આવી હતી, આ ખોટું છે, એમ બીજા સાક્ષી શૈલેન્દ્ર કુમારે જણાવ્યું હતું.

દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે હું જનસુનાવણીમાં CM પર થયેલા હુમલાની કડક નિંદા કરું છું. તેઓ દિવસ-રાત દિલ્હી વિશે ચિંતિત રહે છે. આ વિરોધીઓનું કાવતરું છે. તેમને સહન થતું નથી કે એક CM કલાકો સુધી જનતાની વચ્ચે રહે, પોતાના નિવાસસ્થાને લોકોને મળે.

આપ નેતા આતિશીએ ટ્વીટ કર્યું હતું કે CM રેખા ગુપ્તા પર થયેલો હુમલો અત્યંત નિંદનીય છે. લોકશાહીમાં અસહમતી અને વિરોધ માટે જગ્યા છે, પરંતુ હિંસા માટે કોઈ જગ્યા નથી. આશા છે કે દિલ્હી પોલીસ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. આશા છે કે CM સંપૂર્ણપણે સુરક્ષિત છે.

દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના મહિલા સુરક્ષાની પણ પોલ ખોલે છે. જો દિલ્હીનાં CM જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસ કે સામાન્ય મહિલા કેવી રીતે સુરક્ષિત રહી શકે?