દિવાળીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ઠેક-ઠેકાણે દિવાળીના પર્વ પર સજાવટની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઘર, ઓફિસ, શૈક્ષણિક સંસ્થાઓને સ્વચ્છ કરી વિવિધ રંગોનો ઉપયોગ કરી ડીઝાઇનર રંગોળી બનાવાઈ રહી છે. અંધકારને દૂર કરી ઉજાસ આપતા દીવડાંથી આંગણાને ઝગમગી રહ્યા છે. તેમજ અવનવા તોરણ અને પારંપરિક સામગ્રીથી સજાવટ થવા લાગી છે.
આધુનિક યુગમાં વિવિધ આકાર સાથે પાણીથી ચાલતાં દીવડાં આવી ગયા છે. કાગળ અને ધાતુમાં રંગોળીની ડિઝાઈન પણ તૈયાર મળી જાય છે. પરંતુ હજુ પણ ઘર, શાળાઓ અને ઓફિસોને સજાવવા લોકો પોતાની હસ્તકલા દ્વારા સજાવટ કરે છે. અમદાવાદ શહેરની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભેગા મળી રંગોળી પૂરી. મંદિરોમાં સાધુઓ અને હરિભક્તોએ ભેગા મળી રંગોળી, રોશની અને દીવડાંથી સજાવટ કરી.
એસ.જી.વી.પી સંસ્થા સાથે સંકળાયેલા ભાવિની મિસ્ત્રીએ ચિત્રલેખા ડૉટ કોમ ને જણાવ્યું કે દિવાળી જેવા તહેવારોમાં બાળકો સાથે મળીને રંગો સાથે એક કલાકૃતિ તૈયાર કરવાનો આનંદ અલગ જ હોય છે. સંસ્થાઓનું આંગણું દીપી ઉઠે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાની નજીક આવે છે. આ સાથે પોતાની કલા આવડતને રજુ કરવાનું પ્લેટફોર્મ મળે છે.
ડૉ. ધારાબહેન કાપડિયા કહે છે મને ઘરમાં અને આંગણામાં વિવિધ રંગોળીથી સજાવવું ખૂબજ ગમે છે. આ વર્ષે વિવિધ રંગોથી મોરની રંગોળી બનાવી છે. આ સાથે કમળ પણ દોર્યુ છે. મોર એવું પક્ષી છે જેને જોઈ સૌ ખુશ ખુશાલ થઈ જાય. એના રંગો અને પીંછા સૌને આકર્ષિત કરે છે. કુદરતની આ અદભૂત કલાને મેં રંગોથી ઘરને સજાવવા પ્રયાસ કર્યો. ઘણાં પરિવારોએ ઘર આંગણામાં તુલસી ક્યારા નજીક અને ઘર આંગણમાં જુદા જુદા આકાર, સ્વરૂપોની રંગોળી દીવડાંથી સજાવટ શરૂ કરી દીધી છે.
(તસીવરો: પ્રજ્ઞેશ વ્યાસ)
