ક્રૂડના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચશે: ઈરાનની ચેતવણી

તહેરાનઃ ઈરાને જણાવ્યું છે કે દુનિયાએ ક્રૂડના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવા માટે તૈયાર રહેવું જોઈએ. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આવેલી આ ચેતવણીથી વૈશ્વિક ઓઇલ સપ્લાય અંગેની ચિંતા વધુ વધી ગઈ છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ ઓઇલના ભાવ ઘટાડવા માટે મોટા પાયે સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી ઓઇલ છોડવાની સલાહ આપી છે. 32 દેશોની ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ 400 મિલિયન બેરલ ઓઇલ રિલીઝ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ યોજના હેઠળ અમેરિકા પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી 172 મિલિયન બેરલ તેલ બજારમાં મૂકશે.

ઈરાનના અધિકારીઓએ બુધવારે સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ લાંબા સમય સુધી ચાલે એવો આર્થિક ઝટકો આપવાનો છે. ઈરાનના મિલિટરી કમાન્ડના પ્રવક્તા ઇબ્રાહિમ જોલ્ફકારીએ અમેરિકાને સંબોધીને કહ્યું હતું કે  ઓઇલના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ થવા માટે તૈયાર રહો. ઓઇલના ભાવ પ્રદેશની સુરક્ષા પર આધાર રાખે છે, જેને તમે અસ્થિર બનાવી દીધી છે.

 ખાડી વિસ્તારમાં ત્રણ જહાજો પર હુમલો

લગભગ બે અઠવાડિયાં પહેલાં (28 ફેબ્રુઆરી 2026) અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત એરસ્ટ્રાઈકથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધી લગભગ 2000 લોકોના મોત થયા છે, જેમાં મોટા ભાગે ઈરાન અને લેબેનોનના લોકો સામેલ છે. આ સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટ અને પરિવહન વ્યવસ્થામાં અફરાતફરી મચી ગઈ છે.

બુધવારે ખાડી વિસ્તારમાં ત્રણ જહાજો પર હુમલાના ખબર છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું કે તેમની સેનાએ ખાડીમાં એવાં જહાજો પર ગોળીબારી કરી હતી, જેમણે તેમના આદેશોનું પાલન કર્યું નહોતું. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બંધ ન થાય ત્યાં સુધી ખાડીમાંથી ઓઇલની શિપમેન્ટ રોકી રાખવામાં આવશે. તેમણે દાવો કર્યો કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝના સમુદ્રી માર્ગ પર તેમનું નિયંત્રણ છે અને આ માર્ગમાં સમુદ્રી માઇન્સ બિછાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

 ઓઇલના ભાવની સ્થિતિ

આ અઠવાડિયાની શરૂઆતમાં ઓઇલના ભાવ લગભગ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા. ત્યાર બાદ તે ઘટીને લગભગ 90 ડોલર પ્રતિ બેરલ થયા, પરંતુ હવે ફરી વધીને 100 ડોલર પ્રતિ બેરલનો આંકડો પાર કરી ગયા છે.