કોર્ટોએ દિલ્હી રમખાણોના કેસોમાં દિલ્હી પોલીસને લગાવી આકરી ફટકાર

નવી દિલ્હીઃ દિલ્હી રમખાણો સંબંધિત કેસોમાં કોર્ટો વારંવાર પોલીસની તપાસમાં ગંભીર ખામીઓ પર સવાલ ઉઠાવી રહી છે. કુલ 97 છોડવામાં આવેલા કેસોમાંથી ઓછામાં ઓછા 17 કેસોમાં કોર્ટો ઘડેલા પુરાવા, કલ્પિત સાક્ષીઓ અને પોલીસ દ્વારા લખાવવામાં આવેલાં નિવેદનો જેવી અનિયમિતતાઓનો પર્દાફાશ કર્યો છે. આ આદેશોએ તપાસ પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો કર્યા છે.

2020ના દિલ્હી તોફાનો સંબંધિત કુલ 97 કેસોમાંથી અત્યાર સુધી 93 કેસોમાં બરી થયા છે. સ્થાનિક કોર્ટોમાં ઓછામાં ઓછા 17 કેસોમાં – એટલે કે દર પાંચમાંથી એક કેસમાં – પોલીસે તપાસમાં ગંભીર અનિયમિતતાઓ કરી હોવાનું ચિહ્નિત કરવામાં આવ્યું છે.

રેકોર્ડ દર્શાવે છે કે ઓગસ્ટ, 2025ના અંત સુધીમાં દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા તોફાનો, આગજની અને ગેરકાયદે સભા સંબંધિત 695 કેસોમાંથી 116 કેસોના ચુકાદા આવી ચૂક્યા છે. તેમાં 97 કેસોમાં આરોપીઓ બરી થયા અને 19 કેસોમાં દોષિત ઠર્યા છે.

કોર્ટોએ માન્યું છે કે ઓછામાં ઓછા 12 કેસોમાં પોલીસે “કૃત્રિમ” સાક્ષી કે “ઘડેલા” પુરાવા રજૂ કર્યા હતા. ઓછામાં ઓછા બે કેસોમાં સાક્ષીઓએ સ્વીકાર્યું કે તેમનાં નિવેદનો તેમના પોતાનાં નહોતાં, પરંતુ પોલીસ દ્વારા લખાવવામાં આવ્યાં હતાં અથવા તેમાં હેરફેર કરવામાં આવી હતી. અનેક અન્ય કેસોમાં અદાલતો આ નિષ્કર્ષે પહોંચી કે તપાસ ન્યાય સુનિશ્ચિત કરવા માટે નહીં, પરંતુ માત્ર કેસ પૂરો કરવા માટે કરવામાં આવી હતી. એક કેસમાં જજે કેસ રેકોર્ડમાં “હેરફેર” તરફ પણ ઇશારો કર્યો.